(એજન્સી) આઝમગઢ, તા. ૩
૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ફરારી અને સાયકલ વચ્ચેની સ્પર્ધા ગણાવતા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોમવારે જણાવ્યું કે, ભાજપે વિકાસના આધારે ચૂંટણી જીતી નથી. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે ચૂંટણી હારી ગયા પરંતુ આજે પણ હું પડકાર ફેંકું છું કે, અમારા વિરોધીઓ સમાજવાદી પાર્ટીના વિકાસ સાથે સરખામણી કરી જુએ. તેમને કોઇ તક નહીં મળે. તેઓ વિકાસના આધારે ચૂંટણી જીત્યા નથી પણ અન્ય કારણોથી ચૂંટણી જીત્યા છે. તેમણે ઉમેર્યું કે, આ સ્પર્ધા ફરારી અને સાયકલ વચ્ચેની હતી. દરરોજ ટીવી કોણ જુએ છે ? કોણે ટીવી ખરીદ્યા છે ? તેઓ આપણા મગજમાં ઘૂસીને લડ્યા છે. બીએસપી અને આરએલડી સાથે ગઠબંધન છતાં અખિલેશ યાદવે લોકસભા ચૂંટણીમાં ભારે હારનો સામનો કરવો પડ્યો છે. અખિલેશે ઉમેર્યું કે, તેમણે એસપી-બીએસપીના ગઠબંધનને મુસ્લિમો, યાદવો અને દલિતોનું ગઠબંધન ગણાવ્યું. ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીઓ અને આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓની તૈયારીઓ અંગે બોલતા અખિલેશે કહ્યું કે, ઘણી રાજકીય લડાઇ લડાઇ છે. અમે પણ મોટા સપના જોયા છે અને ૨૦૨૨ તથા ૨૦૨૪ને લક્ષ્યાંક બનાવ્યા છે. તમે તમે મોટા સપના જોશો તો સાકાર થશે. લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને પાંચ, બસપાને ૧૦ તથા આરએલડીને એક પણ બેઠક મળી ન હતી. જ્યારે ભાજપને ૬૨ બેઠકો મળી હતી.