(એજન્સી)
નવી દિલ્હી, તા.૮
કેન્દ્ર સરકારે મધ્યપ્રદેશના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂંક બાબત ફરીથી કોલેજિયમની ભલામણને અવગણી છે. સીજેઆઈ રંજન ગોગોઈની આગેવાની હેઠળના કોલેજિયમે આ હોદ્દા માટે સૌથી વરિષ્ઠ એ.એ. કુરૈશીના નામની ભલામણ કરી હતી, પણ કેન્દ્ર સરકારે આ ભલામણને પડતર રાખી મૂકી. બીજી બાજુ સરકારે ભલામણોની વિરૂદ્ધ જઈ બંધારણના અનુચ્છેદ રર૩ હેઠળ અપાયેલ સત્તાઓનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિ તરફથી મધ્યપ્રદેશ હાઈકોર્ટના વરિષ્ઠ જજ રવિશંકર ઝાને મુખ્ય ન્યાયમૂર્તિની ફરજો બજાવવા નિમણૂંક કરી છે. આ પહેલાં કોલેજિયમે મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સંજયકુમાર શેઠની નિવૃત્તિ પછી આ હોદ્દા માટે જજ કુરૈશીની ભલામણ કરી હતી. જજ શેઠ ૯મી જૂને નિવૃત્ત થવાના છે. કોલેજિયમે મદ્રાસ હાઈકોર્ટના વરિષ્ઠ જજ વી. રામા સુબ્રમણ્યમને હિમાચલ પ્રદેશના મુખ્ય ન્યાયમૂર્તિ બનાવવા ભલામણ કરી હતી. સરકારે હજુ સુધી ભલામણને મંજૂરી આપી નથી. રાજસ્થાન હાઈકોર્ટના વરિષ્ઠ જજ આર.એસ. ચૌહાણને કોલેજિયમે તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બનાવવા ભલામણ કરી હતી. જજ ચૌહાણ હાલમાં તેલંગાણા હાઈકોર્ટમાં કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિની ફરજ બજાવી રહ્યા છે. સરકારે ચૌહાણના પ્રમોશનની મંજૂરી આપી નથી. રવિશંકરે જજોની પડતર નિમણૂંકો બાબત સ્પષ્ટતા કરતા હાલમાં કહ્યું હતું કે, સરકાર પોસ્ટ ઓફિસ નથી. એ પણ હિત ધરાવતો ભાગ છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જજ કુરૈશીને બોમ્બે હાઈકોર્ટમાં બદલી કરાતા ગુજરાત હાઈકોર્ટમાં હોબાળો થયો હતો.