(એજન્સી) તા.૧૬
યુપીના ફેતહપુર જિલ્લામાં એક મદ્રેસાની પાસે કથિત રીતે ગૌવંશના અવશેષો મળવાના કારણે તંગદિલ ઊભી થઈ હતી. ત્યારબાદ ભીડે મદ્રેસામાં તોડફોડ કરી મદ્રેસાને આગ ચાંપી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ભીડને વિખેરી હતી અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધો હતો. ડીએમ અને એસપી બન્ને ગામમાં હાજર છે. પોલીસ તોફાનીઓની ઓળખાણમાં લાગેલી છે. પરંતુ ગામલોકો મુજબ પોલીસની લાપરવાહીના કારણે આ હિંસા થઈ હતી. આ ઘટના બિંદકી પોલીસ સ્ટેશનની હદમાં આવતા બેહટા ગામની છે. સોમવારે ગામમાં આવેલા મદ્રેસાની પાછળ ગૌવંશના અવશેષો મળ્યા હતા જેના કારણે લોકો ગુસ્સે ભરાયા હતા. આ વિશે માહિતી મળ્યા પછી પોલીસે અવશેષોને દાટી દીધા હતા પરંતુ મંગળવારે ફરી વાર ત્યાંથી અવશેષો મળ્યા જેના કારણે ગામલોકો ગુસ્સે ભરાયા. લાકડીઓ લઈ મદ્રેસા પહોંચેલા ટોળાએ તોડફોડ કરી મદ્રેસાને આગ લગાડી દીધી. આ ભીડે મદ્રેસા પર પથ્થરમારો પણ કર્યો હતો. હિંસાની જાણકારી મળ્યા પછી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ભીડને વિખેરી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધો હતો. ડીએમ સંજીવસિંહ અને એસપી રમેશ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પરંતુ ગામમાં હજુ પણ તંગદિલી વ્યાપેલી છે.