(એજન્સી) તા.ર
ઝારખંડ પીપલ્સ પાર્ટીના પ્રમુખ સુરસિંહ બેસરાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર વાંધાજનક પોસ્ટ નાંખી છે જેમાં તેમણે લખ્યું છે કે, જો ઝારખંડમાં રહેવું છે તો જય ઝારખંડ બોલવું પડશે અને જો જય શ્રીરામ બોલવું છે તો ઝારખંડ છોડી દો. હવે આ મામલો વિવાદનું સ્વરૂપ લેવા લાગ્યો છે. જો કે, જય શ્રીરામનો મામલો સંપૂર્ણ દેશમાં ચાલી રહ્યો છે. બંગાળમાં પહેલાંથી જ જય શ્રીરામના સૂત્રો પર જોરદાર રાજકારણ થઈ રહ્યું છે. ત્યાં હવે આ મામલો પાડોશી રાજ્ય ઝારખંડમાં પણ પહોંચી ગયો છે. ઝારખંડના ઘાટશીલાના પૂર્વ એમએલએએ તેની પર વાંધો દર્શાવ્યો છે. સમાચાર મુજબ ઝારખંડ પીપલ્સ પાર્ટીના પ્રમુખ અને ઘાટશીલાના પૂર્વ એમએલએ સુરસિંહ બેસરાએ પોતાના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પરથી એક ચેતવણી પોસ્ટ કરી છે. જેમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે કે, ઝારખંડમાં રહેવું છે તો જય ઝારખંડ બોલો, જય શ્રીરામ બોલવું છે તો ઝારખંડ છોડો. તેમણે જણાવ્યું કે જ્યારે દેશમાં વિવિધ ભાષાઓ માટે વિવિધ રાજ્ય બન્યા છે, બંગાળીઓ માટે બંગાળ, બિહારીઓ માટે બિહાર, ઉડિયા લોકોનું ઓડિસા રાજ્ય બન્યું છે તો પછી ઝારખંડ માટે અલગ કેમ ના હોય. ઝારખંડમાં બહારના લોકો આવીને શાસન કેમ કરશે. તેમણે આરોપ લગાવ્યો છે કે ઝારખંડમાં જય શ્રીરામના સૂત્ર અંગે આદિવાસીઓને ભડકાવવામાં આવે છે તો તેમને જય ઝારખંડ બોલીને જવાબ બળજબરીપૂર્વક લાદવામાં આવી રહ્યું છે ત્યાં તેની પર ભાજપ નેતા સીપીસિંહે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે, આ વાંધાજનક નિવેદન છે. અહીં લોકોને દરેક વસ્તુનો અધિકાર છે. જય શ્રીરામનું સૂત્ર બોલવાથી કોઈ સમસ્યા હોવી જોઈએ નહીં અને જય ઝારખંડના નામે લોકોને વહેંચવા બરાબર નથી.