(એજન્સી) તા.૨૭
દેશવ્યાપી લોકડાઉનના પગલે શ્રમિકોને પડી રહેલી યાતનાઓનો ક્યાંય અંત આવતો જણાતો નથી. બુધવારે સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો, જેને જોઇને ભલભલાની આંખમાં આસું આવી ગયા હતા. કેમ કે, આ વીડિયોમાં બિહારના મુઝફ્ફરપુર રેલવે સ્ટેશને પડેલી એક શ્રમિક માતાની લાશ પાસે તેનું નાનું બાળક રડતું-રડતું જાણે એમ કહી રહ્યું હતું કે, મા ઊઠ, બેઠી થા, મને ભૂખ લાગી છે. જો કે, આ નિર્દોષ બાળકને ક્યાં ખબર હતી કે, તેની માતાનું મોત જ ભૂખના કારણે થયું હતું.
કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં લેવા કેન્દ્ર સરકાર તરફથી લાદવામાં આવેલા લોકડાઉનના પગલે સૌથી વધુ પ્રભાવિત થયેલાં દેશના લાખો શ્રમિકોની આ અભૂતપૂર્વ માનવસર્જિત ઘટનાનો આ જીવંત વીડિયો હતો જેમાં બિહારના મુઝફ્ફરપુર રેલવે સ્ટેશને એક નાનું બાળક પોતાની માતાની સાડીનો ફાટેલો તૂટેલો છેડો પકડીને તેને ઊઠાડવા પ્રયાસ કરી રહ્યું છે અને બેકગ્રાઉડમાં ટ્રેનોની આવવાની અને ઉપડવાની જાહેરાત થતી સાંભળી શકાય છે. શ્રમિકોના સ્થળાંતર માટે મૂકાયેલી સ્પેશિયલ શ્રમિક ટ્રેન દ્વારા આ મહિલા ગુજરાતથી પોતાના વતન બિહાર જઇ રહી હતી, ત્યારે રસ્તામાં તેઓને ખાવાનું કે પીવાનું પાણી પણ મળ્યું નહોતું, તે ઉપરાંત માથું ફાડી નાંખે એવી ગરમીનો પ્રકોપ હતો, આમ ભૂખ, તરસ અને આકરી ગરમીના કારણે શરીરમાંથી પાણી ખૂટી જવાથી આ શ્રમિક માતાનું મોત થયું હતું એમ એનડીટીવી ઉપર દર્શાવવામાં આવેલા આ વીડિયોમાં જોઇ શકાતું હતું. આ મહિલાના પરિવારજનોએ આ ટીવી ચેનલના પત્રકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પીવાનું પાણી અને ખાવાનો ખોરાક ન મળવાથી તેની તબિયત લથડી ગઇ હતી. આ ટ્રેન સોમવારે મુઝફ્ફરપુર પહોંચે તેના થોડા સમય પહેલાં જ આ મહિલાનું મોત થયું હતું, જેથી બાદમાં તેની લાશને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર મૂકી દેવામાં આવી હતી. જેની સાથે તેનું નાનું બાળક પણ હતું.