(એજન્સી) તા.૨૪
અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટી દ્વારા સંચાલિત સાન ફ્રાન્સિસ્કો નગરપાલિકા પરિષદે સર્વાનુમતે ભારતના નાગરિકતા સુધારા કાયદા(સીએએ) અને સંબંધિત અન્ય કાયદાઓનો વિરોધ કરતાં એક પ્રસ્તાવ પાસ કર્યો હતો. આ સમાચાર ભારત સરકાર માટે આંચકા સમાન છે અને તેની સાથે જ ભારતમાં સીએએ-એનઆરસી દ્વારા સર્જાયેલા માનવાધિકાર સંકટની ટીકા કરનાર સાન ફ્રાન્સિસ્કો છઠ્ઠું અમેરિકી રાજ્ય બની ગયું છે.
પ્રસ્તાવ રજૂ કરનારા ગોર્ડન મારે મંગળવારે વોટિંગથી પહેલાં દાવો કર્યો હતો કે ભારતમાં મુસ્લિમોની સાથે સાથે મહિલાઓ, દલિતો, સમલૈંગિકો અને ટ્રાન્સજેન્ડર લોકોને મોટાપાયે અટકાયતી કેન્દ્રોમાં કેદ કરવામાં આવી રહ્યાં છે. પ્રસ્તાવમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ(એનઆરસી) અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર(એનપીઆર)નો પણ વિરોધ કરતાં બંનેને ભેદભાવપૂર્ણ ગણાવ્યા હતા. આ એકમને ઔપચારિકરૂપે પર્યવેક્ષકોના બોર્ડ(બોર્ડ ઓફ સુપરવાઈઝર્સ) તરીકે ઓળખાય છે કે અને તેના તમામ ૧૧ ચૂંટાયેલા સભ્યો ડેમોક્રેટ છે જેમની પાસે સુપરવાઈઝર તરીકેનું પદ છે. સિલિકોન વેલીના કેન્દ્રમાં સ્થિત આ નગરનિગમે પ્રસ્તાવમાં ભારતીય કાયદા તથા ભારતના ભાજપ ને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડી દીધા છે અને તેમાં સાન ફ્રાન્સિસ્કોના દક્ષિણ એશિયન સમુદાય સાથે એકજૂટતા બતાવી હતી. મારે દાવો કર્યો કે કટ્ટર દક્ષિણપંથી હિન્દુ રાષ્ટ્રવાદી ટ્રમ્પના સૌથી મોટા પ્રવાસી ડોનર છે અને ચેતવણી આપી હતી કે હિન્દુ રાષ્ટ્રવાદી પારિસ્થિતિકી તંત્ર બે એરિયાથી સિલિકોન વેલી સુધી ફેલાયેલું છે.