(એજન્સી) લાહોર, તા.૧૦
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કસૂર શહેરમાં ૮ વર્ષની બાળકીનું અપહરણ કરી બળાત્કાર બાદ હત્યાના બનાવ પછી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોના ટોળા પર પોલીસે કરેલા ગોળીબારમાં બે લોકોનાં મોત થયા હતા. પોલીસની નિષ્ક્રિયતા સામે લોકોનો રોષ ભભૂકી ઉઠયો હતો. બાળકીના જનાઝામાં એકઠા થયેલા હજારો લોકોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. કસૂર ગામે ૮ વર્ષની બાળકી ૪ જાન્યુઆરીના રોજ ટયુશનથી ઘરે આવી રહી હતી ત્યારે કોઈક અજાણ્યા શખ્સે તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેનો કોઈ પત્તો ન હતો. મંગળવારે પોલીસે બાળકીનો મૃતદેહ એક કચરાના ઢગલા પરથી કબજે લીધો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતક બાળકીના માતા-પિતા હજયાત્રાએ ગયા હતા. તેમણે આરોપ મૂકયો હતો કે ન્યાય નહીં મળે ત્યાં સુધી બાળકીને દફન નહીં કરું. પોલીસ ફકત નેતાઓની સલામતી પાછળ તૈનાત રહે છે. દરમિયાન બાળકીનું અપહરણ કરી તેની હત્યા કરી ફેંકી દેવાઈ હતી. કસૂર ગામમાં આવો આઠમો બનાવ છે. પોલીસે બાળકી પર બળાત્કાર અને હત્યા અંગે પૃષ્ઠિ કરી હતી. કસૂરમાં ર૦૧પમાં બાળકોની સાથે જાતીય સતામણીના સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. પંજાબના કાનૂન મંત્રી રાણા સનાઉલ્લાહે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. પ્રાંતિય સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે તેમ પાકિસ્તાની અખબાર ડૉને જણાવ્યું હતું. ઝીઓ ચેનલે કહ્યું કે પોલીસ બેશર્મ છે. એવું થાય છે કે આગ લગાડી દઉં.