લંડન,તા.૬
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ ક્રિકેટના મક્કા કહેવાતા લોડ્ર્સ ખાતે તા. ૯ ઓગસ્ટ ને ગુરુવારથી શરૂ થઈ રહી છે. આ મેચ પહેલાં ઈંગ્લેન્ડને એક મોટો ઝટકો લાગ્યો છે. પ્રથમ ટેસ્ટમાં ભારતને પરાજય તરફ ધકેલી દેનાર ઈંગ્લેન્ડનો મહત્ત્વપૂર્ણ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ લોડ્ર્સ ટેસ્ટમાં રમવાનો નથી. સ્ટોક્સને ના તો ઈજા થઈ છે કે ના તો તેને ટીમ મેનેજમેન્ટે બહાર કર્યો છે. અસલમાં સ્ટોક્સને ગત વર્ષે બ્રિસ્ટલની એક નાઇટ ક્લબ બહાર થયેલા મારપીટ મામલામાં આજે એટલે કે ૬ ઓગસ્ટે કોર્ટમાં હાજર થવાનું છે. બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે ટીમમાં બે ફેરફાર કર્યા છે. ઓલિવર પોપ અને ફાસ્ટ બોલર ક્રિસ વોક્સને ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડ બોર્ડે સ્ટોક્સને ઘણા સમય સુધી ટીમની બહાર રાખ્યો હતો. હવે આજે આ કેસની સુનાવણી થવાની છે અને તેની ટ્રાયલમાં પાંચથી સાત દિવસ સમય લાગી શકે છે. ભારતને પ્રથમ ટેસ્ટમાં પોતાની ઘાતક બોલિંગથી પરાજય તરફ ધકેલી દેનારા સ્ટોક્સનું ના રમવું ભારતના ફાયદામાં રહેશે, કારણ કે બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ સ્ટોક્સ ભારતને પરેશાન કરવાની ક્ષમતા ધરાવે છે, જોકે પ્રથમ ટેસ્ટમાં તેણે બેટથી વધુ કમાલ કરી નહોતી, પરંતુ શાનદાર બોલિંગ કરીને તેણે આ નુકસાન ભરપાઈ કરી આપ્યું હતું.