ભરૂચ ડિસ્ટ્રિકટ માટે રમી ચૂકેલા સુહેલ બાજીભાઈ બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધી સિરીઝ બન્યો
તસવીરમાં ટ્રોફિઓ સાથે સુહેલ નજરે પડે છે.
(તસવીર : સૈયદ અમજદ, વાગરા)
વાગરા, તા.૮
ભારતીયો અને એમાં પણ ગુજરાતીઓ વિશ્વમાં જ્યાં જાય છે ત્યાં ભારતનું નામ રોશન કરે છે. ભરૂચના દયાદરાના યુવા ક્રિકેટર સુહેલે આફ્રિકાના કોંગોમાં રમાતી સોમીકા પ્રિમિયમ લીગમાં ઓલરાઉન્ડર તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભારતનું ગૌરવ વધાર્યું છે. દયાદરા સ્થિત યુવાન ક્રિકેટરના ઘરે ગ્રામજનોએ જઈ તેમના પિતાને શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતીઓ વેપાર-રોજગાર અર્થે વિશ્વભરમાં સ્થાયી થયા છે. એમાં પણ ભરૂચ જિલ્લાની વાત આવે એટલે દેશ-વિદેશમાં જઈ ત્યાં પોતાના નામનો ડંકો વગાડવાનો શ્રેય ભરૂચી વહોરા પટેલને શિરે જાય છે. આફ્રિકાના કોંગો દેશમાં જ્યાં ૩૦૦૦ જેટલા ભારતીયો વસેલા છે. કોંગોમાં સોમીકા નામની કંપની દ્વારા દર વર્ષે સોમીકા પ્રિમિયમ લીગ દ્વારા ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે જેમાં ૧ર જેટલી ટીમો ભાગ લે છે. પ્રિમિયમ લીગમાં ભારતીય ખેલાડીઓ પણ ઉત્સાહભેર ભાગ લે છે. ચાલુ વર્ષે પ્રિમિયમ લીગમાં એમ.સી.એસ. ટીમ ફાઈનલમાં વિજેતા બની હતી. તેમાં ભરૂચ દયાદરા ગામના ડે. સરપંચ ઈબ્રાહીમ બાજીભાઈના ૩૧ વર્ષીય પુત્ર સુહેલની મહત્ત્વની ભૂમિકા હતી. ૧૩ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનો શોખ ધરાવતો સુહેલ ભરૂચ ડિસ્ટ્રિકટ ક્રિકેટ સહિત ભરૂચની નામાંકિત ટીમોમાં ગણના ધરાવતી ઈસ્માઈલ મતાદારની ટીમ વતી રમી ચૂક્યો છે. છેલ્લા આઠ વર્ષથી આફ્રિકાના કોંગો દેશમાં સ્થાયી થયેલ રમતવીર સુહેલે સોમિકા પ્રિમિયમ લીગમાં એમ.સી.એસ. ટીમ વતી રમ્યો હતો. જેમાં તેણે બેટ અને બોલ થકી સામેની ટીમોને પરાજય તરફ ધકેલવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ટુર્નામેન્ટમાં પાંચ વાર ‘મેન ઓફ ધ મેચ’ બન્યો હતો. બોલના કમાલથી ટુર્નામેન્ટ ર૪ વિકેટ અને બેટીંગ કરી ૩૦૩ રન બનાવ્યા હતા. જેમાં એક સેન્ચ્યુરીનો સમાવેશ થાય છે. આ અંગે સુહેલના પિતાનો સંપર્ક સાધતાં તેઓ દીકરાની મેળવેલ સિદ્ધિ વિશે પૂછતાં તેઓ ગદગદીત થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મારો પુત્ર બાળપણથી જ ક્રિકેટનો શોખીન હતો અને તે પહેલેથી જ સારૂં ક્રિકેટ રમતો હતો. એની સફળતાથી ખૂબ ખુશ છું,અને આ રીતે ગુજરાત અને દેશનું નામ રોશન કરે.