અમેરિકામાં શીખ ટેકનિશિયન પર હુમલો, ચાકુથી વાળ કાપી નાંખ્યા

(એજન્સી)                 તા.૮

અમેરિકામાં ૪૧ વર્ષીય શીખ સમુદાયમાંથી આવતા અમેરિકન આઈટી વિશેષજ્ઞ પર કેટલાંક લોકોએ કરપીણ હુમલો કર્યો છે. તેમની પાઘડી કાઢી નાખીને તેમના વાળ પણ ચાકૂથી કાપવામાં આવ્યા છે.

એક નાગરિક અધિકાર સંગઠને આ ઘટનાની તપાસ નફરત પ્રેરિત અપરાધ તરીકે કરવાની માગણી કરી છે. માનસિંહ ખાલસા કેલિફોર્નિયામાં એક આઈટી વિશેષજ્ઞ છે. તેઓ ૨૫ સપ્ટેમ્બરની રાત્રે પોતાના વાહનથી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. ત્યારે કેટલાંક લોકોએ તેમના વાહન પર બિયરનો કેન ફેંક્યો હતો.

અમેરિકાના સૌથી મોટા નાગરીક અધિકાર સંગઠન ધ શીખ કોએલિશનના નિવેદન પ્રમાણે માનસિંહ ખાલસા ઘટનાસ્થળેથી ચાલ્યા ગયા હતા. પરંતુ આ ટોળાએ તેમનો પીછો કર્યો અને તેમની કારની બારીના કાચને નિશાન બનાવ્યા હતા. આ લોકોના ટોળાએ તેમની પાઘડીને કાઢીને તેમના ચહેરા પર પ્રહારો કર્યા હતા. હુમલાનો ભોગ બનેલા ભારતીય મૂળના અમેરિકન આઈટી નિષ્ણાત માનસિંહ ખાલસાએ કહ્યું છે કે આ જૂથમાં પાંચથી છ જેટલા ગોરા પુરુષો હતા. તેમની વયમર્યાદા વીસથી ત્રીસ વર્ષની આસપાસ હતી. આ લોકોએ તેમને અપશબ્દો કહ્યા અને તેમાંથી ત્રણ શખ્સોએ તેમના ઉપર શારીરિક હુમલો પણ કર્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ જૂથમાં સામેલ લોકો ખાલસાના વાળ કાપવા માટે બૂમો પાડતા હતા. આ હુમલામાં ખાલસાની આંગળીઓ, હાથ, આંખને ઈજાઓ પહોંચી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts