(એજન્સી) ચેન્નાઈ, તા.ર૭
મદ્રાસ હાઈકોર્ટે અભિનેતા વિજયને ચમકાવતી ‘મર્સલ’ ફિલ્મને અપાયેલ સેન્સર સર્ટીફિકેટ રદ કરવાની માગણી કરતી અરજી રદ કરી. હાઈકોર્ટે જણાવ્યું કે વાણી સ્વતંત્રતાનો અધિકાર બધાને છે જે ફિલ્મોને પણ લાગુ પડે છે. ફિલ્મમાં જીએસટી, નોટબંધી, ડિજિટલ ઈન્ડિયા વિરૂદ્ધ સંવાદો અને દ્રશ્યો હોવાથી એ દ્રશ્યો રદ કરાવવા વિરોધો થયા હતા અને હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. અરજદારે કહ્યું કે આ દેશના હિત, સ્વાયત્તતા, એકતા અને સુરક્ષા વિરૂદ્ધ છે. હાઈકોર્ટના જજોએ કહ્યું કે, આ લોકશાહી દેશ છે. બધા લોકોને વાણી સ્વતંત્રતાનો અધિકાર છે. આજે પણ મીડિયામાં વિરોધ પક્ષો જીએસટીનો વિરોધ કરી રહ્યા છે તો શું અમે એમની વિરૂદ્ધ આદેશ જાહેર કરીએ અને કહીએ તમે આવા નિવેદનો નહીં કરો. અરજદારે રજૂઆત કરી કે જીએસટી માટે અપપ્રચાર કરાઈ રહ્યો છે જેનાથી દેશના લોકોને ટેક્ષ ચોરી કરવા પ્રોત્સાહન મળશે. સેન્સર બોર્ડે કઈ રીતે ફિલ્મને સર્ટીફિકેટ આપ્યું છે એનું અમને આશ્ચર્ય છે. અરજદારની રજૂઆતોનો ભારે વિરોધ કરતાં હાઈકોર્ટે કહ્યું કે જો તમને ખરેખર સમાજની ચિંતા છે તો સમાજમાં એવા ઘણા બધા પ્રશ્નો છે જેમને ઉકેલવાની જરૂર છે. જેમ કે અસ્પૃશ્યતા, મહિલાઓથી સુરક્ષા, બાળકોનું કુપોષણ તમે આ મુદ્દાઓ તરફ ધ્યાન કેમ નથી આપતા અને આ પ્રકારના અર્થહિન મુદ્દાઓ લઈને આવો છો એનાથી તો ફિલ્મને જ વધુ સ્તર મળશે અને ફિલ્મ જ વધુ કમાણી કરશે. શું તમે આડકતરી રીતે ફિલ્મનો પ્રચાર કરી રહ્યા છો ?