ન્યુ દિલ્હી,તા.૨૯
ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી હૉકીના ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે યજમાન નેંધરલેન્ડ સામે શનિવારે પોતાના છેલ્લી લીગ મેચમાં ઓછામાં ઓછું ડ્રો રમવું પડશે. ૮ વખતનો ઓલિમ્પિક વિજેતા ભારત, જો આ મેચમાં ડ્રો કે વિજય મેળવશે તો તે સતત બીજી વાર આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટના ફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળ થશે. ભારતની ટીમ હાલ ૨ જીત, એક હાર અને એક ડ્રો સાથે ગ્રુપમાં બીજા સ્થાને છે.
પૂર્વ વિજેતા અને વિશ્વ વિજેતા ઓસ્ટ્રિલિયા ૧૦ અંક સાથે ગ્રુપમાં ટોપ પર છે અને તે પહેલા જ રવિવારે યોજાનાર ફાઈનલ મેચમાં સ્થાન મેળવી ચુક્યા છે. ૬ દેશોના આ ટૂર્નામેન્ટના નિયમોના અનુસાર, ગ્રુપ સ્ટેજની પહેલી અને બીજી નંબરની ટીમો ફાઇનલમાં પહોંચે છે. તો બીજી બાજુ જો નેંધરલેન્ડને ફાઇનલમાં પ્રવેશ મેળવવું હોય તો તેને આ મેચ જીતવું જ પડશે.
એક અન્ય મુકાબલામાં ઓસ્ટ્રેલિયા શુક્રવારે ઓલિમ્પિક ચેમ્પિયન એર્જેન્ટીના સામે રમશે. જોકે આ મેચનો કોઈ ખાસ મહત્તવ નથી કેમ કે, ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચી ગયું છે અને એર્જેન્ટીના ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. ગુરૂવારે રમાયેલી બેલ્જિયમ સામેની મેચમાં ભારતે છેલ્લી ઘડીએ ગોલ ખાઈને ૧-૧ થી ડ્રો રમી હતી. ભારતે આ પહેલા પોતાના કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને ૪-૦ થી પરાજય આપ્યો હતો તેમજ ઓલિમ્પિક વિજેતા એર્જેન્ટીનાને પણ ૨-૧ થી હરાવ્યાં હતા પણ તેમને પૂર્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ૨-૩થી હારનો સામનો કરવો પડ્યો હતો.