(એજન્સી) ઈરબિલ, ઈરાક, તા.ર૫
ઈરાકના કુર્દીશ નેતા અને અર્ધ સ્વાયત્ત કુર્દિસ્તાનના પ્રેસિડેન્ડ મસૂદ બરઝાનીએ આગામી રપ સપ્ટેમ્બરે યોજાનારા સ્વતંત્રતા રેફરેન્ડમને પાછળ ઠેલવાની જાહેરાત કરી હતી. વિવાદાસ્પદ સ્વતંત્રતા રેફરેન્ડમ મુદ્દે આયોજિત એક પત્રકાર પરિષદમાં તેમણે આ ટિપ્પણી કરી હતી. તમને જણાવી દઈએ કે, આ ઉત્તરી ઈરાકને કુર્દિસ્તાન તરીકે સંપૂર્ણ સત્તા અને અલગ દેશની રચના કરવા માટે સ્વતંત્રતા રેફરેન્ડમ આજે આયોજિત થવાનું હતું. જો કે મસૂદ બરઝાનીએ તેને આગળ ધપાવી દીધો છે કેમ કે અનેક દેશો જેવા ઈરાક, અમેરિકા, ઈરાન અને તુર્કી તેના પર આ જનમતસંગ્રહ ન યોજવા ભારે દબાણ કરી રહ્યા હતા. જો કે હજુ એ અંગે કોઈ જાહેરાત કરાઈ નથી કે હવે પછી ક્યારે રેફરેન્ડમ યોજવામાં આવશે. મસૂદ બરઝાનીના કાર્યાલયથી જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ રવિવારના રોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવશે અને તેમાં જ ટાઈમ અને સ્થળ વિશે જાહેરાત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે જ ઈરાકી કુર્દીશ નેતા મસૂદ બરઝાનીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, આગામી રપ સપ્ટેમ્બરે યોજાનાર રેફરેન્ડમની તારીખોમાં કોઈ ફેરફાર નહીં થાય. તેમણે કહ્યુ હતું કે, આગામી અઠવાડિયે રેફરેન્ડમ યોજાઈને જ રહેશે ભલે આ મામલે આંતરરાષ્ટ્રીય દેશો અમને ચેતવણી આપતાં હોય કે પછી દબાણ કરતાં હોય. શુક્રવારે ઈરબિલમાં હજારો લોકોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, હવે રેફરેન્ડમ મારા હાથમાં નથી અને આ રેફરેન્ડમ હવે કોઈ રાજકીય પક્ષના હાથમાં પણ નથી હવે આ તમારા હાથમાં છે. આ મામલે ઈરાકના પાટનગર અને બગદાદે તેની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, આ રેફરેન્ડમ ખરેખર તો ગેરબંધારણીય છે અને કહ્યું કે, કુર્દિસ્તાન ક્ષેત્રીય સરકાર (કેઆરજી)એ આ રેફરેન્ડમ અટકાવી દેવાની જરૂર છે. કારણ કે તેનાથી દેશના ભાગલા પડી જશે અને નવા કુર્દિસ્તાનની રચના થશે. જો કે આ મામલે બરઝાનીએ કહ્યું હતું કે, અમે ખુલ્લા મને ગંભીર રીતે બગદાદ સાથે ચર્ચા કરવા તૈયાર છીએ પરંતુ આગામી રપ સપ્ટેમ્બર બાદ. કારણ કે હવે ઘણીવાર થઈ ગઈ છે. જો કે હવે બરઝાનીના તાજેતરના નિવેદનથી લાગે છે કે, તેઓ પણ રેફરેન્ડમને ટાળી શકે છે અને ચર્ચાના ટેબલે આવી શકે છે. ઈરાન અને તુર્કી આ મામલે કુર્દીશો પર ભારે દબાણ કરી રહ્યા છે. તેમને પોતાની જમીન અને મત આપવાનો અધિકાર છીનવાઈ જવાનો ભય ઊભો થયો છે. તેમની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે યુએનની સુરક્ષા પરિષદે ચેતવણી આપી હતી કે, આ રેફરેન્ડમને કારણે દેશમાં અસ્થિરતા ફેલાઈ જશે અને આઈએસના આતંકીઓને ફેલાવો કરવા માટે વધુ એક તક મળી જશે. જો કે તુર્કીએ પણ આ મામલે પોતાનું વલણ જણાવતાં કહી દીધું છે કે, આ રેફરેન્ડમ ખરેખર તો ગેરકાયદેસર જ છે. તુર્કીની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે રેફરેન્ડમની આકરી ટીકા કરતાં તેને ગેરકાયદેસર તથા અસ્વીકાર્ય ગણાવ્યું છે. રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એર્દોગાને કહ્યું હતું કે, આ રેફરેન્ડમ ગેરકાયદેસર છે અને તેને કોઈપણ ભોગે સ્વીકારી લેવાય તેમ નથી. જો કે તુર્કીએ સ્પષ્ટ કર્યું કે, તે આંતરરાષ્ટ્રીય કરારો અનુસાર તેના અધિકારોનો ઉપયોગ કરવા તૈયાર છે.