(એજન્સી) તા.ર૪
ઈઝરાયેલના એક જાણીતા અખબારે આપેલી માહિતી અનુસાર ઈઝરાયેલી તરફેણ કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત હવે રિપબ્લિક ઓફ ઈરાનમાં પોતાના રોકાણ કરવાની યોજનાઓમાં કાપ મૂકશે અને તેમાં ઘટાડો કરશે. હિબ્રો ખાતે સંચાલિત એજન્સીએ જણાવ્યું કે, ઈઝરાયેલમાં ભારત, ગ્રીક અને ઈઝરાયેલના અધિકારીઓએ બેઠક યોજી હતી. તાજેતરમાં જ ભારત સરકારે કહ્યું હતું કે, ઈઝરાયેલ સાથેના સંબંધોને જોતાં અમારી પાસે પૂરતા કારણો છે કે, અમે ઈરાન સાથેના કરારમાં ઘટાડો કરીએ અને ત્યાં રોકાણ ઓછું કરીએ. આ અઠવાડિયાની અગાઉ સત્તાવાર સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે, નેતાન્યાહુ આગામી જાન્યુઆરી મહિનામાં ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે અને તેઓ તેમના સમકક્ષ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના વેપાર અને આર્થિક કરારોને વધારે મજબૂત કરવા ચર્ચા કરશે. આ મહિનાની શરૂઆતમાં પણ ભારતે ઈઝરાયેલમાં આયોજિત સૈન્ય ક્વાયતમાં ભાગ લીધો હતો. જો કે આ સૈન્ય ક્વાયત મોદીની ઈઝરાયેલની યાત્રાને પગલે યોજવામાં આવી હતી. જો કે તાજેતરમાં જ ભારત સરકારે ઈઝરાયેલ સાથેનો પ૦૦ મિલિયન ડોલરનો સ્પાઈક એન્ટી મિસાઈલ તથા મિસાઈલ લોન્ચ ખરીદવાનો સોદો રદ કરી નાખ્યો હતો.