વાગરા, તા.૨૩
ગુજરાત પોલીસના જવાનો છેલ્લા કેટલાક સમયથી તહેવારો અને સરકારી બંદોબસ્ત ઉપરાંત અવારનવાર રાજકીય આગેવાનોની સુરક્ષાના બંદોબસ્તમાં જોતરાઈને કંટાળી ગયા હોય તેવું લાગી રહ્યું છે. છાશવારે સરકારી કાર્યક્રમોમાં પહેરેદારી કર્યા બાદ ત્રાહિમામ પોકારી ઉઠેલા પોલીસ જવાનો હવે સરકાર સામે માથું ઉચકે તેવા અહેવાલો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. પોલીસના જવાનોએ હવે સરકાર સામે સોશ્યલ મીડિયાનું શસ્ત્ર ઉગામ્યું છે.સોશ્યલ મીડિયામાં વહેતા થયેલા મેસેજ અનુસાર પોલીસ જવાનો પાસે ૨૪ કલાકની નોકરી લેવામાં આવે છે. તેના પ્રમાણમાં ઓછું વેતન આપીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. ગ્રેડ પેમાં સુધારો, ફિકસેશનની પ્રથા દૂર કરવા ઉપરાંત નોકરીનો સમય ૮ કલાકનો કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. વધુમાં પોલીસ યુનિયન બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાથે જ પોલીસ જ્યાં બંદોબસ્તમાં જાય ત્યાં ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવે તથા તહેવાર ટાંકણે અને સામાજિક પ્રસંગે જરૂરિયાત મુજબ રજા આપવાની માંગ મૂકવામાં આવી છે. રાત-દિવસ ૨૪ કલાકની નોકરીમાં વ્યસ્ત પોલીસને અન્ય વિભાગો કરતા ઓછો પગાર ચૂકવાય છે. ઉચ્ચ અભ્યાસ કરીને નોકરી પર લાગેલા સરકારી કર્મચારીઓને પેન્સનની પ્રથા બંધ કરી દેવામાં આવી છે. જયારે કુછ દીનોકા સુલતાન સમાન અને પબ્લિકના વોટથી જીતેલા અભણ ધારાસભ્ય કે સાંસદને કાયમ માટે પેન્શનની લહાણી કરવામાં આવી રહી છે. જેની સામે મેસેજમાં ખાસ ગર્ભિત ચીમકી ઉચ્ચારી વ્હાલા-દવલાની નીતિ સમાન આ પ્રથા બંધ કરવામાં આવે તેવી લાગણી પણ વ્યક્ત કરાઈ છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી પોલીસ ગ્રુપોમાં ફરતા થયેલા સંદેશામાં પોલીસની ઉપરોક્ત તમામ માગણીઓનો સ્વીકાર કરવામાં નહી આવે તો પોલીસ દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી મહાઆંદોલન કરવામાં આવશે તેની સાથે ૨૦૧૭ની ચૂંટણીમાં સરકાર પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી સ્પષ્ટ ધમકી ઉચ્ચારવામાં આવી છે. વધુમાં જણાવ્યું છે કે પોલીસ વિભાગ શિસ્તને વરેલું છે એનો મતલબ એવો નથી કે તેને વર્ગ-૪ ના કર્મચારીઓ કરતા ઓછું વેતન આપવું.જે દિવસે પોલીસ રોડ ઉપર ઉતરી આવશે તે દિવસે નેતાઓ રોડ શો કરવાનું ભૂલી જશે નો સ્પષ્ટ સંદેશો આપતો મેસેજ સોશ્યલ મીડિયામાં પ્રસારિત થતાં શિસ્તને વરેલા ગૃહ વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે.અંતમાં હવે પોલીસ બનાવશે નવી સરકાર નું સુત્ર મૂકી જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, તેમજ ભારત માતા કી જય લખી વધુને વધુ પોલીસ જવાનોને આ મેસેજ આગળ પહોચતું કરવા વિનંતી કરાઈ છે.
૧૯૮૯ના પોલીસ આંદોલન બાદ ફરી સળવળાટથી ફેલાયો ખળભળાટ
વાગરા, તા.૨૩
વર્ષ ૧૯૮૯ની સાલમાં આસામની ચૂંટણીમાં ગુજરાત પોલીસના જવાનોને મોકલવાનો આદેશ ગૃહ વિભાગ તરફથી કરવામાં આવ્યો હતો. જેની સામે પોલીસ દ્વારા આસામનું અલગ ભથ્થું તેમજ રજા પગાર આપવાની માંગ મૂકી હતી જેને સરકાર દ્વારા નકારવામાં આવતા પોલીસ દ્વારા એકતા સંગઠનની રચના કરવામાં આવી હતી. અને સમગ્ર ગુજરાતની પોલીસ હડતાલ પર ઉતરી ગઈ હતી. જેથી ગુજરાતને આર્મીને હવાલે કરવામાં આવ્યું હતું. તે સમયે જે પોલીસકર્મીઓ આંદોલનમાં જોડાયા હતા. તેમની વિરૂદ્ધ રાજદ્રોહનો ગુનો દાખલ કરાયો હતો. જયારે બાકીના પોલીસ જવાનો વિરૂદ્ધ પાસા અને નાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. અન્ય લોકોની આંતરિક બદલી કરી દેવાઈ હતી. વિદ્રોહને શાંત પાડવા માટે તે વખતથી જ જાહેર રજાનો પગાર ચાલુ કરાયો હતો. આમ ૧૯૮૯ બાદ ફરી એકવાર પોલીસ બેડામાં સળવળાટથી ગૃહવિભાગમાં દોડધામ મચી જવા પામી છે. એવું પોલીસ વિભાગના આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.