(એજન્સી) તા.૧
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા જનરલ એચ આર મેકમાસ્ટરે જણાવ્યું હતું કે પાકિસ્તાન આતંકનેા એક વિદેશ નીતિ તરીકે ઉપયોગ કરે છે અને ખૂબ જ પસંદગીથી આતંકીઓ પાછળ જાય છે અને જો પાકિસ્તાન અન્યને બ્લેકમેલ કરવા માટે પોતાની અણુ ક્ષમતાનો ઉપયોગ કરવાની કોશિશ કરશે તો તે બીજું ઉત્તર કોરિયા બની જશે.
પાકિસ્તાન પર અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નવા વર્ષના ટ્વીટ પર બોલતા અમેરિકાના પૂર્વ આર્મી જનરલ મેક માસ્ટરે વોઇસ ઓફ અમેરિકા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની બેવડી નીતિના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકા હતાશ થયા છે. તેમણે જણાવ્યું હતું કે પસંદગી કરીને આતંકી સંગઠનો પર કાર્યવાહી કરવી જ્યારે કેટલાકનો પોતાની વિદેશ નીતિની પાંખ તરીકે ઉપયોગ કરવો આવું બધું કરીને પાકિસ્તાને અમેરિકાના મૂલ્યોને દગો કર્યો છે. માત્ર અમેરિકાને જ નહીં પરંતુ પોતાના લોકો સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે.
હતાશાજનક વાત એ છે કે પાકિસ્તાન આતંકી જૂથો સામે પસંદગીપૂર્વકનો વ્યવહાર કરીને તેમજ તેમને સલામત આશ્રય આપીને પોતાના જ લોકોનું અહિત કરી રહ્યુ છે. પાકિસ્તાન તાલિબાન અને હકાની નેટવર્ક નેતાગીરી માટે સહાયક મથકો અને આધાર પૂરો પાડે છે. જેમાંના કેટલાક જૂથો પાકિસ્તાનની બહાર કામ કરે છે અને પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાનના કેટલાક ભાગોમાં આતંક મચાવે છે. અમેરિકા પાકિસ્તાની લોકો ખાસ કરીને જેમને આતંકીઓના હાથે સહન કરવું પડ્યું છે એવા લોકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. આતંકીઓએ સામૂહિક હત્યાઓ સાથે ઘણા બધા પાકિસ્તાનીઓને નિશાન બનાવ્યા છે. થોડા સમય પહેલા એક શાળામાં પણ સામૂહિક હત્યાકાંડ આચરવામાં આવ્યો હતો એવું મેકમાસ્ટરે એક મુલાકાતમાં જણાવ્યું હતું. મેક માસ્ટરે એવી ચેતવણી આપી છે જો પાકિસ્તાને બહિષ્કૃત રાષ્ટ્ર ન બનવંુ હોય તો તેણે આતંકીઓને આશ્રય આપવાનું અને અન્ય સહાય પૂરી પાડવાનું બંધ કરવું પડશે.
પાકિસ્તાન દ્વારા અણુ શસ્ત્રોના ઉપયોગની શક્યતા અંગે મેકમાસ્ટરે જણાવ્યું હતું કે એવું મને લાગતું નથી. પાકિસ્તાની નેતા બ્લેકમેલ કરવા અણુશસ્ત્રોનો ઉપયોગ કરે એવી હું કલ્પના કરી શકતો નથી. જો એવું થશે તો પાકિસ્તાન બીજું ઉત્તર કોરિયા બનશે.