પ્યોંગયાંગ,તા. ૧૫
અમેરિકા અને અન્ય દેશોના તીવ્ર દબાણ અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હાલમાં લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધ છતાં તેની ચિંતા અને પરવાહ કર્યા વગર આજે ઉત્તર કોરિયાએ ફરી એકવાર જાપાન પરથી પ્રશાંત મહાસાગરમાં બેલાસ્ટિક મિસાઇલ છોડી હતી. જેના કારણે વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ મિસાઇલ છોડવામાં આવતા કટોકટી વધારે ઘેરી બને તેવા સંકેત છે. પ્યોંગયાંગ દ્વારા આ મિસાઇલ એવા સમયમાં છોડી છે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નવેસરથી વેપાર પ્રતિબંધ ઉત્તર કોરિયા પર લાગુ કરી દેવામાં આવ્યા છે. ઉત્તર દેશોને ખુલ્લો પડકાર ફેંકી દીધો છે.
જાપાનના મંત્રીમંડળના મુખ્ય સચિવ યોશિહિડે સુગાએ જણાવ્યું હતું કે, આ મિસાઇલ સવારે સાત વાગ્યાની આસપાસ જાપાન ઉપરથી ઉડી હતી અને પ્રશાંત મહાસાગરમાં હોક્કાઇડોથી આશરે ૨૦૦૦ કિલોમીટર (આશરે ૧૨૪૦ માઇલ) દૂર ખાબકી હતી. ભયાનક મિસાઇલના પરિક્ષણને પગલે ઉત્તર જાપાનના મોટાભાગના શહેરોમાં ઊંચા અવાજની સાઇરનો વગાડાઇ હતી અને લોકોેને સુરક્ષિત સ્થળે જવા કહેવાયું હતું. દરમિયાન અમેરિકાના સુરક્ષા સચિવ જીમ મેટ્ટીસે જણાવ્યું હતું કે, મિસાઇલ પરિક્ષણથી જાપાનના લાખો લોકોમાં ગભરાટ ફેલાયો છે.જોકે, ઉત્તર જાપાનના કેટલાક વિસ્તારોમાં પરિક્ષણ થયું હોવા છતાં લોકોએ શાંતિથી દિવસ પસાર કર્યો હતો અને કામધંધા ચાલુ રાખ્યા હતા. મિસાઇલ જમીનથી ૭૭૦ કિલોમીટર ઊંચે અને ૩૭૦૦ કિલોમીટર દૂર આશરે ૧૯ મિનિટ સુધી હવામાં ઉડી હતી.
ગયા મહિનામાં દ્વિપ નજીક દરિયામાં મિસાઇલો છોડવાની ઉત્તર કોરિયાએ ધમકી આપ્યા બાદ લશ્કરી કાર્યવાહી કરવા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી ઉચ્ચારી હતી પરંતુ આની ચિંતા વગર આજે ફરી એકવાર ઉત્તર કોરિયાએ બેલાસ્ટિક મિસાઇલ છોડી હતી. જાપાનના વડાપ્રધાન શિન્જો અબેનું કહેવું છે કે, ટોકિયો ક્યારે પણ ઉત્તર કોરિયાના આ પ્રકારના ખતરનાક અને ઉશ્કેરણીજનક કૃત્યોને ચલાવી લેશે નહીં. આનાથી વૈશ્વિક શાંતિ સામે ખતરો ઉભો થઇ રહ્યો છે. ભારતના પ્રવાસથી પરત ફરેલા શિન્જોએ કહ્યું હતું કે, જો ઉત્તર કોરિયા આજ દિશામાં આગળ વધશે તો તેનું ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ રહ્યું નથી. સુરક્ષા પરિષદની તાકિદની બેઠક બોલાવવા અબેએ અપીલ કરી હતી અને કહ્યું હતું કે, દુનિયાને એક થવાનો સમય હવે આવી ગયો છે.
યુએસ પેસિફિક કમાન્ડો મિસાઇલ પરીક્ષણને સમર્થન આપ્યું છે. દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલય મુજબ આ મિસાઇલ ૩૭૦૦ કિલોમીટરના અંતરને પાર કરીને ૭૭૦ કિલોમીટરની મહત્તમ ઉંચાઈ સુધી પહોંચી હતી અને ત્યારબાદ પ્રશાંત મહાસાગરમાં પડી હતી. બે સપ્તાહ પહેલા જ ઉત્તર કોરિયાએ મિસાઇલો જાપાન ઉપર છોડી હતી. જુલાઈ મહિનામાં ઉત્તર કોરિયાએ બે ઇન્ટરન્કોન્ટીનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. આ મહિનામાં જ ઉત્તર કોરિયાએ સૌથી શક્તિશાળી પરમાણુ પરીક્ષણ પણ કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ સપ્તાહમાં જ ઉત્તર કોરિયાના વધતા જતા મિસાઇલ પરીક્ષણ અને એટેમિક હથિયારોના કારણે તંગદિલી વચ્ચે પ્રતિબંધો લાદી દીધા હતા. સંયુક્ત રાષ્ટ્ર પરિષદ દ્વારા ઉત્તર કોરિયા દ્વારા મિસાઇલ ટેસ્ટ કરવામાં આવ્યા બાદ આજે ફરી તાકીદની બેઠક બોલાવી છે. યુએસ પેસિફિક કમાન્ડ દ્વારા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર કોરિયા દ્વારા મિસાઇલ ટેસ્ટ કરવામાં આવ્યુ છે. એક મધ્યમ ગતિની બેલાસ્ટિક મિસાઇલ પ્રશાંત મહાસાગરમાં ઉત્તર કોરિયાએ છોડી હોવાના અહેવાલને અમેરિકાએ સમર્થન આપ્યુ છે. જો કે આ મિસાઇલ અમેરિકાના સૈન્ય અને મહત્વપૂર્ણ ગણાતા ગુઆમ અથવા તો ઉત્તરીય અમેરિકા માટે ખતરારૂપ નથી.