(એજન્સી) બેઇજિંગ, તા.૧૧
ચીનમાં ટોંગજિન કાઉન્ટીમાં આવેલા વીઝોઉ વિસ્તારમાં નવી બનાવવામાં આવેલી ગ્રાન્ડ મસ્જિદ તોડવા સામે મુસ્લિમો દ્વારા મોટાપાયે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને કારણે અધિકારીઓએ મસ્જિદ તોડવાની યોજના સ્થગિત કરી દીધી છે. મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે ઇસ્લામીકરણ રોકવાના સરકારના પ્રયાસો સામે મુસ્લિમો દ્વારા આ સૌથી મોટું પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
શિનજિયાંગમાં ઉઇગર બાદ હુઇ મુસ્લિમ સમુદાય બીજો સૌથી મોટો સમૂહ છે. સ્થાનિક અધિકારીઓ ગ્રાન્ડ મસ્જિદ તોડવા માટે શુક્રવારે પહોંચ્યા હતા પરંતુ મસ્જિદ પાસે ગુરૂવાર રાત્રિએથી જ ભારે સંખ્યામાં મુસ્લિમો એકત્રિત થઇ ગયા હતા. રાત્રે જ વિસ્તારના પ્રમુખ પણ મસ્જિદ ખાતે પહોંચ્યા હતા અને તેમણે દેખાવકારોને ખાતરી આપી હતી કે સરકારી અધિકારીને મસ્જિદ તોડવાની મંજૂરી નહીં મળે ત્યાં સુધી મસ્જિદની ઇમારતને સ્પર્શ પણ કરવામાં આવશે નહીં.
૩જી ઓગસ્ટે વીઝોઉ સરકારે મસ્જિદ મેનેજમેન્ટ સમિતિએ વ્યવસ્થિત રીતે એક નોટિફિકેશન આપ્યું હતું. નોટિફિકેશનમાં ૧૦મી ઓગસ્ટ સુધી મસ્જિદ તોડવાની ડેડલાઇન જણાવવામાં આવી હતી. ચીનમાં મુસ્લિમ સહિત બિન-ચીની ધર્મોને નિયંત્રણમાં રાખવા માટે રાષ્ટ્રપતિ શી જિનપિંગ ૨૦૧૫માં સિનિસાઇઝ રિલીજનની નીતિ લાવ્યા હતા. આ નીતિ હેઠળ બધા ધાર્મિક સમૂહોને ચીનની સંસ્કૃતિ માનવી પડશે. સાથે જ તેમના પર કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાનું નિયંત્રણ હશે.