(એજન્સી) તા.૧૮
પાકિસ્તાનમાં શિક્ષણને લઇને કામ કરનારા નોબલ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈને દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટીમાંથી એક ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણવાની તક મળી ગઇ છે. મલાલાએ જાતે ટિ્વટર પર ઓક્સફર્ડમાં એડમિશન મળવા અંગે આનંદ વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે ઓક્સફર્ડ જવા માટે હું ઘણી ઉત્સાહિત છું.
મલાલા ત્યાં દર્શન, રાજકારણ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરશે. મલાલાએ તેમની સ્કૂલના અભ્યાસના પરિણામો તો જાહેર નથી કર્યા પરંતુ એટલું લખ્યું છે કે દરેક એ લેવલના વિદ્યાર્થીઓ માટે ઘણું સારું અને સૌથી મુશ્કેલ વર્ષ. આગળના જીવન માટે શુભેચ્છાઓ. મલાલા યુસુફઝાઇ ત્યારે ફક્ત ૧પ વર્ષનાં હતાં જ્યારે તાલિબાનના બંદૂકધારીઓએ તેમનાં માથામાં ગોળી મારી દીધી હતી. તે સમયે મલાલા સ્કૂલની પરીક્ષા આપી ગામડે પરત ફરી રહ્યાં હતાં. મલાલાએ પાકિસ્તાનની છોકરીઓને ભણતર પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલા બાદ તેમને સારવાર માટે બર્મિંઘમ લઇ જવાયા હતાં ત્યારથી તે સંપૂર્ણ પરિવાર સાથે બર્મિંઘમમાં રહે છે. અહીંથી જ અભ્યાસ અને છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનું અભિયાન ચલાવી રહ્યાં છે. મલાલાને ર૦૧૪માં ભારતના કૈલાશ સત્યાર્થી સાથે સંયુક્તરૂપે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરાયો હતો. તે સમયે મલાલા ફક્ત ૧૭ વર્ષનાં હતાં અને નોબેલ પારિતોષિક મેળવનારાઓની યાદીમાં સૌથી નાની ઉંમરના વિજેતા હતાં.