(એજન્સી) પેશાવર,તા.૧
બુરખાધારી આતંકવાદી-ઓએ પાકિસ્તાનના પેશાવરમાં આવેલ કૃષિ નિયામક કચેરીના છાત્રાલયમાં હુમલો કરી દીધો. હુમલામાં ઓછામાં ઓછા ૧૧ લોકોનાં મોત નીપજયાં છે. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. આ જાણકારી અધિકારીઓએ આપી છે. મીડિયાએ સુરક્ષા અધિકારીઓ અને ચિકિત્સકોના હવાલાથી જણાવ્યું છે કે હુમલામાં મરનારા લોકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે. આ હુમલામાં અન્ય ૩૭ લોકો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલીબાને લીધી છે.
મીડિયાએ જણાવ્યા અનુસાર આ હુમલો સવારે થયો હતો. બુરખાધારી ત્રણ અથવા ચાર શંકાસ્પદોએ ઈમારતમાં પ્રવેશ કર્યો, ત્યાર બાદ ત્રણ વિસ્ફોટના અવાજ સંભળાયા ત્યારબાદ છાત્રાલયમાં આગ લાગી ગઈ. સેનાના ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સે હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યાની પૃષ્ટિ કરી અને કહ્યું કે સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યાં છે.
છાત્રાલયની ઈમારતમાંથી આત્મઘાતી જેકેટ, ત્રણ ગ્રેનેડ બે બોમ્બ અને એક પિસ્તોલને જપ્ત કરવામાં આવી છે. મીડિયાએ ખૈબર-પખ્તૂનખ્વાના સીએમ પરવેજ ખટ્ટકના હવાલાથી જણાવ્યું કે, જો કે પોલીસ હંમેશાની જેમ સતર્ક હતી પરંતુ આ હુમલો અચાનક થઈ ગયો પોલીસ આવી અને પરિસ્થતિ પર તેણે કાબુ મેળવ્યો ઈદ-એ-મિલાદુન્નબીને ધ્યાનમાં રાખીને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગોળીબાર શરૂ થયા બાદ તરત જ અમારી પોલીસ ત્યાં પહોંચી ગઈ અત્યારે અમે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.)ના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવતા ઈદે-મિલાદુન્નબીને કારણે છાત્રાલયમાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ હતા. હુમલાના પ્રત્યક્ષદર્શી વિદ્યાર્થીએ કહ્યું કે સામાન્ય રીતે છાત્રાલયમાં લગભગ ૪૦૦ વિદ્યાર્થીઓ હોય છે પરંતુ શુક્રવારે માત્ર ૧પ૦ વિદ્યાર્થીઓ જ હાજર હતા. જેવા જ બે આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો ત્યારે ભયભીત થયેલા વિદ્યાર્થીઓ શરણ માટે દોડયા કેટલાકને ગોળી વાગી અને કેટલાક ઘાયલ થયા જયારે અન્ય વિદ્યાર્થીઓ બારીઓમાંથી કૂદી ગયા.
પોલીસ અનુસાર, રિક્ષામાં આવેલા હુમલાખોરોએ પહેલા દરવાજા પર ઉભેલા ચોકીદારને ગોળ મારી અને પછી છાત્રાલય તરફ તેઓ આગળ વધ્યા.