(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૩
પંચમહાલ જિલ્લાના શહેરા ટાઉનમાં નજીવી બાબતે કોમી દંગલ થતાં બંને કોમના ટોળાંઓ આમને સામને ભારે પથ્થરમારો કરતાં નાસભાગ મચી જવા પામી હતી. એક આરોપીએ બંદૂકમાંથી ખાનગી ગોળીબાર કરતાં ત્રણ મુસ્લિમ યુવકોને ઈજા પહોંચતાં સારવાર માટે વડોદરા ખસેડાયા છે. સ્થાનિક પોલીસે કોમ્બિંગના બહાને મુસ્લિમોના ઘરોમાં ઘૂસી જઈ દમન ગુજાર્યાના હેવાલ મળ્યા છે. ફાયરિંગ કરનાર આરોપી રાજકીય વગ ધરાવતો હોવાથી હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. શહેરા પોલીસે આ બનાવ સંદર્ભે સામસામે ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરા પોલીસ સ્ટેશનમાં ડાહ્યાભાઈ નટુભાઈ પરમાર (ચમાર)એ પ૩ આરોપીઓ વિરૂધ્ધ નામ જોગ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે કૌશિકભાઈ અરવિંદભાઈ ચમાર આરોપી નં. પ૩ના પાનના ગલ્લા ઉપર મસાલો લેવા જતાં આરોપી નં.૧ તથા તેની સાથેના ત્રણથી ચાર ઘાંચી કોમના છોકરાઓએ પાન-મસાલા બાબતે સાહેદને તું શું કામ અહીં આવેલ છે. તેમ જાતિ વિષે બોલતાં સાહેદે તેઓની જાતિ બાબતે નહીં બોલવા કહેતાં તેઓએ તેઓ તમામે સાહેદને ગડદાપાટુથી માર મારતાં આ કામના આરોપીઓને ઠપકો કરવા સાહેદ સાથે ફરિયાદી તેમજ સાહેદ અરવિંદભાઈ નટુભાઈ ચમાર ઘાંચી વાડામાં પાનના ગલ્લા ઉપર જઈ પાનના ગલ્લાવાળા આરોપી નં. પ૩ તેમજ આરોપી નં.૧ તથા તેની સાથેના મિત્રોને કૌશિકને કેમ મારેલ છે તેમ કહેતાંની સાથે જ તમામ આરોપીઓએ ફરિયાદી સાહેદ સાથે ઝઘડો તકરાર કરી અમારા વિસ્તારમાં આવી ઝઘડો કરો છો કહી જાતિ અપમાનિત કરી સાહેદને માર મારેલ, છુટ્ટા પથ્થરો, ઈટોના ટુકડાઓ તેમજ છુટ્ટી કાચની બોટલો મારી હુમલો કરેલો અને તેમના વાહનો તથા રહેણાંક મકાનની બારી-દરવાજાની તોડ-ફોડ કરી નુકસાન કરેલું જ્યારે સામા પક્ષે સોહીલ ઈશાક પાનવાલા (ઘાંચી)એ ૧૮ વ્યક્તિઓ સામે નામ જોગ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં દર્શાવાયું છે કે આરોપી ડાહ્યાભાઈ પરમારે (ચમાર) બૂમાબૂમ કરેલ કે મુસ્લિમોએ મારા ભત્રીજા કૌશિકને માર મારેલ છે તો મુસ્લિમોને માર મારો હિન્દુઓને ઉશ્કેરણી કરી હિન્દુ-મુસ્લિમના ટોળાંઓ આમને-સામને લાકડીઓ તથા લોખંડની પાઈપો સાથે ભેગા થઈ આમને સામને છૂટ્ટા પથ્થરો મારતાં આરોપી રૂપચંદ સેવકાણીએ બંદૂકથી ફાયરિંગ કરતા મતીમ ઈશાક પાનવાલા તથા ઈરફાન ઈકબાલ વલીને શરીરે ગોળો વાગતા ઈજાઓ કરેલ. બીજા આરોપીઓ લાકડી, લોખંડની પાઈપોથી તથા છૂટ્ટા પથ્થરો મારતાં શાજીત સતાર લડબડ તથા રિઝવાન સત્તાર લડબડ, આશીક હમીદ સંચાવાળા, આશીફ યુનિસ લડબડને તથા બીજા અન્યોને ઈજાઓ કરેલ. આરોપી ડાહ્યાભાઈ પરમાર ફરિયાદીના ડાબા હાથે કાંડા ઉપર લાકડી મારી ઈજાઓ કરેલ. આરોપીઓ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી મુસ્લિમોના ઘરોના દરવાજા તથા બારીઓ તેમજ બહાર પડેલ વાહનોની તોડફોડ કરી નુકસાન કરેલ.
શહેરામાં થયેલી જૂથ અથડામણ અંગે સૂત્રોમાંથી મળેલ વધુ માહિતી મુજબ ખાનગી ગોળીબારમાં ઘવાયેલા રિઝવાન સત્તારભાઈ લડબડને સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે ખાનગી ફાયરિંગમાં ઈજાગ્રસ્ત મતીન ઈશાક પાનવાલા અને ઈરફાન ઈકબાલ વલીને સારવાર માટે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં દાખલ કરાયેલા છે. શહેરા પોલીસે ફાયરિંગ કરનાર રૂપચંદ સેવકાણીની હજી સુધી ધરપકડ કરી નથી. શું પોલીસ રાજકીય દબાણના કારણે રૂપચંદની ધરપકડ નથી કરતી ? તેવા પ્રશ્નો લોકોમાંથી ઊઠી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ બંને પક્ષોના મળીને અત્યાર સુધીમાં ૧૭ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જૂથ અથડામણ બાદ પોલીસે સિન્ધી ચોકડી ઘાંચીવાડમાં આવેલા મુસ્લિમોના ઘરોમાં ઘૂસીને પોલીસ દમન ગુજાર્યાનું લોકો કહે છે. દરમ્યાન મામલતદારના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એલ.સી.બી.પી.આઈ. શહેરા પોલીસ મથકમાં નવીન મૂકાયેલા પોલીસ ઈન્સ્પેકટર સહિતના પોલીસ અધિકારીઓ તેમજ શહેરા નગરના મહાજન સમાજ, સિંધી સમાજ તેમજ મુસ્લિમ સમાજ સહિતના આગેવાનોએ ખાત્રી આપી હતી કે હવે પછી આવા બનાવો નહીં બને અને આવતી કાલથી દરરોજની જેમ બજારો ખોલી દેવાશે અને લોકોના ધંધા-રોજગાર ચાલુ થઈ જશે.
આ ઘટનાની રાત્રિથી જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
4.5