PhD ડ્રોપઆઉટથી લઈને રૂા.૩૩ લાખના પેકેજ સુધી : અંકુર વારીકુએ માત્ર ૫ વર્ષમાં આ રીતે વધાર્યો પોતાનો પગાર

અમેરિકાથી ભણવાનું છોડી ભારત પરત ફર્યા બાદ ૧૪,૭૫૦ રૂપિયાની નોકરીથી કરી હતી શરૂઆત; સોશિયલ મીડિયા પર શેર કરી પ્રેરણાદાયી સફર

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
જાણીતા ઉદ્યોગસાહસિક (Entrepreneur) અને કન્ટેન્ટ ક્રિએટર અંકુર વારીકુએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાના કરિયરની એક અત્યંત પ્રેરણાદાયી કહાની શેર કરી છે, જે આજે હજારો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની ગઈ છે. તેમણે ખુલાસો કર્યો છે કે જ્યારે તેમણે પોતાની પહેલી નોકરી શરૂ કરી ત્યારે તેમની ઉંમર માત્ર ૨૪ વર્ષની હતી અને તેમને દર મહિને માત્ર રૂા.૧૪,૭૫૦ મળતા હતા. પરંતુ, પોતાની સખત મહેનતના જોરે તેમણે માત્ર પાંચ જ વર્ષમાં પોતાનો વાર્ષિક પગાર વધારીને રૂા.૩૩ લાખ (૩.૩ મિલિયન) સુધી પહોંચાડી દીધો હતો. પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં અંકુર વારીકુએ જણાવ્યું કે, તેઓ અમેરિકામાં પોતાનો પીએચડીનો અભ્યાસ અધવચ્ચે જ છોડીને ભારત પરત ફર્યા હતા. તે સમયે તેમની પાસે જીવનમાં આગળ શું કરવું તેનો કોઈ ચોક્કસ પ્લાન નહોતો. કોલેજ ડ્રોપઆઉટ હોવાના કારણે ભારતમાં નોકરી મેળવવી તેમના માટે બિલકુલ સરળ નહોતી. તેમણે નોકરીની શોધમાં અનેક ઓફિસોના ધક્કા ખાધા, અખબારોમાં જાહેરાતો શોધી અને અસંખ્ય ઇન્ટરવ્યુ આપ્યા. આશરે ૪૫ દિવસની સખત મહેનત અને શોધખોળ બાદ આખરે તેમને ’નિસ સ્પાર્ટા’ (NIS Sparta) કંપનીમાં રૂા.૧૪,૭૫૦ના માસિક પગારે તેમની પહેલી નોકરી મળી હતી. નોકરી દરમિયાન અંકુર વારીકુને અહેસાસ થયો કે તેમની ટીમમાં કામ કરતા અન્ય એમબીએ (MBA) ડિગ્રીધારકોની સરખામણીએ તેમની શૈક્ષણિક લાયકાત ઓછી છે. આ ઉણપને દૂર કરવા માટે તેમણે ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ (ISB)માં એક વર્ષના મેનેજમેન્ટ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો. આ મોંઘા અભ્યાસક્રમની ફી ચૂકવવા માટે તેમણે મોટી રકમની લોન લેવી પડી હતી, જેનો માસિક ઈએમઆઈ (EMI) જ રૂા.૨૦,૦૦૦ હતો, જે તેમની અગાઉની કમાણી કરતાં પણ વધુ હતો.ISBમ્માં અભ્યાસ દરમિયાન તેમને દેશના અનેક નામાંકિત લોકો સાથે કામ કરવાની અને શીખવાની તક મળી. અહીં જ તેમને કન્સલ્ટિંગ ક્ષેત્રની નોકરીઓ વિશે ખબર પડી અને તેમણે તેની તૈયારીઓ શરૂ કરી દીધી. ત્યારબાદ, એક પ્રતિષ્ઠિત કંપનીમાં ત્રણ રાઉન્ડના કપરા ઇન્ટરવ્યુ આપ્યા બાદ, કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે તેમનામાં વિશ્વાસ દર્શાવ્યો અને તેમને વાર્ષિક રૂા.૧૨ લાખનું પેકેજ ઓફર કરવામાં આવ્યું. આ નવી કંપનીમાં જોડાયાના માત્ર દોઢ વર્ષની અંદર જ તેમની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે તેમને પ્રમોશન મળ્યું. આ જ કંપનીમાં સતત ત્રણ વર્ષ સુધી સખત પરિશ્રમ કર્યા પછી, તેમનો વાર્ષિક પગાર વધીને રૂા.૩૩ લાખ (Rs 3.3 million) થઈ ગયો હતો. અંકુર વારીકુએ આ સફર પરથી યુવાનોને શીખ આપતા જણાવ્યું છે કે, ભલે તમને કોઈની મદદથી કરિયરમાં તક મળી જાય, પરંતુ એકવાર તક મળ્યા પછી આગળ વધવા માટે સખત મહેનત જ એકમાત્ર વિકલ્પ છે. તેમણે નમ્રતાપૂર્વક ઉમેર્યું કે, “હું કદાચ બહુ સ્માર્ટ વ્યક્તિ ન હોઈ શકું, પરંતુ જે પણ તકો મને મળી, તેણે મને એક અત્યંત મહેનતુ માણસ ચોક્કસ બનાવી દીધો.”

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts