(એજન્સી) તા.૧૬
રવિવારે અમેરિકી રાષ્ટ્રપતિએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત પહેલા જ રશિયાએ એક શત્રુ તરીકે દર્શાવવાની શરૂઆત કરી દીધી છે અને તેની દુશ્મન તરીકે બ્રાન્ડિંગ કરી રહ્યાં છે. નોંધનીય છે કે ૨૦૧૬માં અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચેડાં કરવાના આરોપો રશિયા પર લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સોમવારે ૧૬ જુલાઈના રોજ ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં મુલાકાત થવાની છે. કહેવાય છે કે બંને નેતાઓ આ બેઠકમાં ખાસ કરીને સીરિયા મુદ્દે ચર્ચા કરી શકે છે. જોકે યુક્રેન તથા પરમાણુ નિરસ્ત્રીકરણ મુદ્દે પણ આ બંને ટોચના નેતાઓ ચર્ચા કરી શકે છે. જોકે હેલસિંકી માટે રવાના થતા પહેલા ટ્રમ્પે રશિયાએ એક શત્રુ રાષ્ટ્ર તરીકે ગણાવ્યો હતો. તેને યુરોપિયન યુનિયન અને ચીનનો સમર્થક ગણાવ્યો હતો અને યુરોપિયન યુનિયનને પણ તેમણે શત્રુ ગણાવ્યો હતો. જોકે ટ્રમ્પની આ ટિપ્પણી પણ પુતિન સાથેની મુલાકાત પહેલા આવી હતી. તેમણે સીબીએસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તમે વિચારતાં હશો કે યુરોપિયન યુનિયન શત્રુ છે પણ રશિયા પણ કેટલાક મુદ્દે શત્રુતા જેવું જ વર્તન કરે છે. ચીન અમારો આર્થિક રીતે શત્રુ છે. આ તમામ લોકો અમારા શત્રુ બની ગયા છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ ખરાબ છે. તેનો કોઈ અર્થ નીકળતો નથી. મારો મતલબ એવો છે કે તેઓ અમારા હરીફ બની ગયા છે. જોકે હેલસિંકી તરફ જતા પહેલા તેમણે ટિ્વટ કરી કહ્યું હતું કે હવે હું રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા જઈ રહ્યો છું. આ એક ઐતિહાસિક મુલાકાત હશે. નોંધનીય છે કે તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિટનની મુલાકાતે ગયા હતા અને ચાર દિવસની આ મુલાકાતમાં તેમનો ભારે વિરોધ થયો હતો અને ટ્રમ્પે આ મુલાકાત દરમિયાન અનેકવાર રોયલ પ્રોટોકોલનો ભંગ કર્યો હતો. જેના કારણે તેઓ વિવાદમાં સપડાયા હતા.