(એજન્સી) વોશિંગ્ટન, તા. ૨૦
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં ગેરકાનૂની રીતે અમેરિકામાં પ્રવેશ કરવા માગતા પ્રવાસીઓ અંગે અપનાવવામાં આવેલી ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ અમેરિકા-મેક્સિકોની સરહદ ઇમિગ્રન્ટ્સ માટે નરક સમાન બની ગઇ છે. સરહદે બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરવામાં આવી રહ્યા છે અને માતા-પિતાથી અલગ કરવામાં આવેલા બાળકોને ખાસ પ્રકારના કસ્ટડી કેન્દ્રોમાં રાખવામાં આવે છે. આ નવી નીતિ હેઠળ અમેરિકામાં ગેરકાનૂની રીતે પ્રવેશ કરનારાઓ સામે કાયદેસર રીતે કાર્યવાહી કરવામાં આવે છે અને તેમને જેલમાં પણ મોકલી દેવામાં આવે છે. આ નવી ઇમિગ્રન્ટ્સ નીતિની સૌથી ખરાબ અસર મેક્સિકોથી આવતા પ્રવાસીઓ પર પડી રહી છે. બાળકોને જેલમાં મોેકલી શકતા નહીં હોવાથી તેમને તેમના માતા-પિતાથી અલગ કરી દેવામાં આવે છે. અમેરિકાની સરહદે એજન્ટ દ્વારા એક મહિલાની તલાસી લેવામાં આવી રહી છે ત્યારે એ મહિલાની બે વર્ષની બાળાનો ચીસો પાડીને રડતો ફોટો અત્યાર સુધી લાખો લોકોએ જોઇ લીધો છે. ગયા મંગળવારે આ ફોટો લેવામાં આવ્યો છે. ચીસો પાડીને રડતી બાળાનો આ ફોટો ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ઝીરો ટોલરન્સ સરહદ નીતિનું પ્રતીક બની ગયું છે. ટ્રમ્પની આ નવી નીતિ હેઠળ સેંકડો બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરી દેવામાં આવ્યા છે. મહત્ત્વની અને નોંધનીય બાબત તો એ છે કે ઇમિગ્રન્ટ બાળાનો આ ફોટો પાડનાર ફોટોગ્રાફર જ્હોન મૂરેનું હૃદય ફોટો પાડતી વખતે દ્રવી ઉઠ્યું હતું.
ગેટ્ટી ઇમેજિસ માટે એવોર્ડ વિજેતા ફોટોગ્રાફર મૂરે સમગ્ર વિશ્વના યુદ્ધો, રોગચાળાઓ અને રેફ્યુજી કટોકટીઓની ડોક્યુમેન્ટ્રી બનાવી છે. મૂરેએ ગત સપ્તાહે રિયો ગ્રાન્ડેમાં એક બાળા અને તેની માતાનો આ ફોટો પાડ્યો હતો. માતાની અમેરિકન એજન્ટ દ્વારા તલાસી લેવામાં આવી રહી હતી અને બાજુમાં ઉભેલી બાળા રડી રહી હતી. ઘણા એંગલથી મૂરેએ અમેરિકામાં ગેરકાનૂની રીતે ઘૂસણખોરીનો અભ્યાસ કર્યો છે. લોકો કેવી રીતે સરહદ પાર કરે છે. કેવી રીતે નદીઓ પાર કરે છે. જો કે, મૂરે રિઓ ગ્રાન્ડે પર સૌથી સલામત ક્રોસિંગ રણમાંથી ગુપ્ત રીતે અમેરિકામાં ઘૂસવાનો રૂટ પણ જાણે છે. અમેરિકી સરહદ પાર કર્યા પછી ઇમિગ્રન્ટ્સને સરહદે પેટ્રોલિંગ કરતા એજન્ટ્સથી બચવાનું હોય છે.
હોન્ડુરાસના મહિલા અને બાળકો એક રાત્રે એક હોડીમાં આવ્યા ત્યારે મૂરે અમેરિકી એજન્ટ્સની પેટ્રોલ ટીમ સાથે ત્યાં પહોંચી ગયા રાતનો સમય હતો, ત્યારે આ લોકો અમને જોઇને ભયભીત થઇ ગયા. પેટ્રોલિંગ કરતી ટીમે બધા પાસે તેમની બધી વસ્તુઓ છિનવી લીધી અને એક પછી એક એમ બધાની તલાશી લેવા લાગ્યા. છેલ્લે એક મહિલા તેની બે વર્ષની બાળા સાથે હતી. એજન્ટ્સ જ્યારે આ મહિલાની તલાશી લઇ રહ્યા હતા ત્યારે એ બાળા ચીસો પાડીને રડી રહી હતી. બાળા સાથે આ મહિલાનો ફોટો પાડતી વખતે મૂરે પણ લાગણીસભર થઇ ગયા હતા. જોકે, તેમણે એ રડતી બાળાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. મૂરેનો આ ફોટો ઘણુબધું કહી જાય છે. એક શબ્દ કહ્યા કે લખ્યા વગર પણ મૂરેનો આ ફોટો માનવીઓને તેમના સંતાનોથી અલગ પાડવાની ક્રૂરતા વિશે બધું જ વર્ણન કરી દે છે. મેક એલન નજીક મહિલાની અટકાયત કરી લેવામાં આવી હતી અને હવે કોર્ટ દ્વારા તેને છોડવામાં નહીં આવે ત્યાં સુધી આ માતા અને પુત્રીની એક-બીજા સાથે મુલાકાત થવાની કોઇ શક્યતા જણાતી નથી.
ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ બાળકોને પરિવારોથી
અલગ કરવા બદલ ટ્રમ્પને ‘જાનવર’ ગણાવ્યા
(એજન્સી) ન્યૂયોર્ક, તા. ૨૦
ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા-મેક્સિકોની સરહદે ગેરકાનૂની ઇમિગ્રન્ટ્સથી તેમના બાળકોને અલગ કરવાની વિવાદાસ્પદ અને અમાનવીય નીતિની આકરા શબ્દોમાં વખોડી કાઢી છે અને આ કૃત્ય બદલ અમેરિકી પ્રમુખને તેમણે ‘જાનવર’ ગણાવ્યા છે. આ મુદ્દો હવે અમેરિકી રાજકારણમાં ચગી ગયો છે અને ટ્રમ્પના આ અમાનુષી પગલા બદલ લોકો તેમની આકરી ટીકા કરી રહ્યા છે. તેમણે અમેરિકી સરકારને પોતાના પરિવારથી અલગ થયેલા બાળકોને તેમના પરિવાર સાથે ફરી ભેગા કરવાની અરજ કરી છે.
સરહદે પેટ્રોલિંગ કરતી પોલીસ દ્વારા મહિલાની તલાશી લેવામાં આવી રહી હતી ત્યારે મહિલાની બે વર્ષીય બાળાની ચીસો પાડતી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સુંદર પિચાઇની આ પ્રતિક્રિયા આવી છે. દરમિયાન, મેક્સિકોના વિદેશ પ્રધાને પણ અમેરિકાની નીતિને ઘાતકી અને અમાનવીય ગણાવી છે.
ટ્રમ્પની સરહદે બાળકોને તેમના માતા-પિતાથી અલગ પાડવાની
નીતિને ટીમકૂક,ઝુકરબર્ગ જેવા CEOએ વખોડી કાઢી
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરહદે બાળકોને તેમના માતા-પિતાથી અલગ પાડવાની વિવાદાસ્પદ અને અમાનવીય નીતિને એપલના સીઇઓ ટીમ કૂક, ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ, ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ અને ટેસ્લાના સીઇઓ એલન મસ્કે વખોડી કાઢી છે. ટ્રમ્પ વહીવટીતંત્રની ટીકા કરતા ટીમ કૂકે મંગળવારે જણાવ્યું કે બાળકોને તેમના માતા-પિતાથી અલગ પાડવાનું અમાનવીય છે અને આ કૃત્યને અટકાવવાનું જરૂરી છે. આઇરીશ ટાઇમ્સને તેમણે કહ્યું કે બાળકોને તેમના માતા-પિતાથી અલગ થતા ફોટા જોવા અને તેમના રડવાના અવાજ સાંભળવાથી હૃદય દ્રવી ઉઠે છે. કોઇ પણ સમાજમાં બાળકો સૌથી વધુ સંવેદનશીલ હોય છે. મને લાગે છે કે જે કંઇ અમાનવીય થઇ રહ્યું છે તેને બંધ કરવું જોઇએ. અન્ય ઘણા બધા એક્ઝિક્યુટિવ્સે પણ ટ્રમ્પની આ નીતિને વખોડી કાઢી છે. ફેસબુક પોસ્ટમાં માર્ક ઝુકરબર્ગે પણ જણાવ્યું કે આ નીતિ અત્યારે જ બંધ કરવી જોઇએ. તેમણે ટેક્સાસના સિવિલ રાઇટ્સ પ્રોજેક્ટ માટે ભંડોળ ઉભું કરવાનું શરૂ કરી દીધું છે. પ્રથમ થોડાક કલાકોમાં જ તેમણે ૧૭,૦૦૦ ડોલર એકત્રિત કરી લીધા છે. ટિ્વટર અને સ્ક્વેરના ્સીઇઓ જેક ડોર્સીએ પણ માઇગ્રન્ટ્સ પરિવારોના સમર્થનમાં ટિ્વટ કરી છે.