(એજન્સી) રિયાધ, તા. ૧
સઉદી અરબમાં ગુરૂવારે ૧૨ રબીઉલ અવ્વલ હતી એટલે કે, ઇદે મિલાદુન્નબીનો દિવસ હતો. પરંતુ અહીં આ દિવસે કોઇ રજા અપાઇ નહોતી અને કોઇ પ્રકારના ઉજવણીના કાર્યક્રમો રખાયા નહોતા. ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસો પહેલાં એક અહેવાલ આવ્યા હતા જેમાં દાવો કરાયો હતો કે, સઉદી સરકારે ઇદે મિલાદુન્નબીના પ્રસંગે રજા જાહેર કરવામાં આવી છે. અહેવાલમાં એવો પણ દાવો કરાયો હતો કે, ૧૨ રબીઉલ અવ્વલના દિવસે સઉદી અરબમાં સરકારી કાર્યલયો સાથે ખાનગી સંસ્થાનો પણ બંધ રહેશે અને ઇદે મિલાદુન્નબી પ્રસંગે ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સૂત્રો અનુસાર ગુરૂવારે અહીં ૧૨ રબીઉલ અવ્વલનો દિવસ હતો પરંતુ અહીંં કોઇ રજા નહોતી અને ઇદે મિલાદ પ્રસંગે કોઇ પણ પ્રકારના સમારોહ કે કાર્યક્રમનું આયોજન પણ કરાયું નહોતું. તેનાથી વિપરિત મસ્જિદે નબવીમાં વિવિધ સુરક્ષા દળો દ્વારા આકરા પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા હતા તથા સખત સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. આ ઉપરાંત મસ્જિદે નબવીમાં જે વહીવટી બાબતોનું ધ્યાન રાખે છે તેવા તમામ સંસ્થાનોની અઠવાડિક રજા પણ રદ કરી દેવામાં આવી હતી અને તેમને વધારાની જવાબદારીમાં લગાવી દેવામાં આવ્યા હતા જેથી આ પ્રસંગે ઇદે મિલાદુન્નબી મનાવનારાઓને રોકી શકાય અને કોઇ પણ અપ્રિય ઘટના ન બને તે માટેના બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા હતા.