નવી દિલ્હી, તા.૧ર
ક્રિકેટ સંચાલકોની સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે નિરંજન શાહ અને એન શ્રીનિવાસન જેવા અયોગ્ય પદાધિકારીઓ પોતાના પર્સનલ હિતોના પગલે લોઢા સમિતિના સુધારાનો અમલ કરવામાં અવરોધ ઊભો કરી રહ્યા છે. સીઓએ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જમા કરેલ પોતાના ચોથા સ્ટેટ્સ રિપોર્ટમાં આ વાત કહી છે. આ પહેલાં રિપોર્ટ ર૭ ફેબ્રુઆરી, ૧૭ માર્ચ અને સાત એપ્રિલે જમા કરવામાં આવ્યો હતો. મામલાની આગામી સુનાવણી ૧૪ જુલાઈએ થશે. રિપોર્ટમાં કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીની પ્રશંસા કરવામાં આવી છે જે સુધારાનો અમલ કરવા પ્રયાસ કરી રહ્યા છે. આમ, શ્રીનિવાસનના વિશ્વાસપાત્ર અનિરૂદ્ધ ચૌધરી પર મૂકદર્શક બની રહેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સીઓએએ રાજ્ય બોર્ડમાં સહમતિ બનાવવામાં પણ અસમર્થતા વ્યક્ત કરી છે.
શાસ્ત્રી અને ઝહીરખાનની પસંદગી માટે CACની પ્રશંસા કરતું COA
સંચાલકોની સમિતિએ રવિશાસ્ત્રીને ભારતીય ટીમના મુખ્યકોચ બનાવવા માટે ક્રિકેટ સલાહકાર સમિતિના નિર્ણયની પ્રશંસા કરી છે. સચિન, ગાંગુલી અને લક્ષ્મણની સમિતિએ શાસ્ત્રીને મુખ્યકોચ અને ઝહીરખાનને બોલિંગ કોચ બનાવ્યો છે જે વિશ્વકપ ર૦૧૯ સુધી પદ પર રહેશે. સીઓએએ એક નિવેદનમાં કહ્યું કે ક્રિકેટ સલાહકાર સમિતિએ કોચને લઈ પોતાના સૂચન આપ્યા છે. એમાં ટીમની કોચિંગ જરૂરિયાતોની વ્યાપક સમીક્ષા કરી બધી બાબતોને કવર કરવામાં આવી છે અમને આવા મહાન ક્રિકેટરોની સમિતિ પાસેથી આવી જ અપેક્ષા હતી.