આ ગિલની બીજી બેવડી સદી પણ છે. તેણે ૨૦૨૩માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ૧૪૯ બોલમાં ૨૦૮ રનની ઈનિંગ્સ રમી હતી
નવી દિલ્હી, તા.૧
ટીમ ઈન્ડિયાએ પોતાના ૫૨ વર્ષના વન-ડે ઈતિહાસમાં પ્રથમવાર ૪૦૦ રનની ઉપરનો લક્ષ્યાંક ચેઝ કર્યો છે. બુધવારે ગુવાહાટીમાં રમાયેલ સિરીઝની બીજી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝે ૫૦ ઓવરમાં ૭ વિકેટના ભોગે ૪૦૫ રન કર્યા હતા. જવાબમાં ભારતે ૪૩.૩ ઓવરમાં ૨ વિકેટના ભોગે જીત હાંસલ કરી હતી. આ સાથે જ ભારતે ૩ મેચની સિરીઝમાં ૨-૦ની જીત હાંસલ કરી છે. આ મેચમાં કેપ્ટન શુભમન ગિલ જીતનો હીરો રહ્યો. તેણે વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી. ગિલે ૧૧૭ બોલમાં ૨૦૦ રનનો આંક પાર કર્યો. તેણે ૧૩૩ બોલ પર ૨૨૩ રન કર્યા. જેમાં ૨૬ ચોગ્ગા અને ૮ છગ્ગા સામેલ હતા. ગિલે રોહિત શર્મા સાથે પ્રથમ વિકેટ માટે ૨૫૫ રનની ભાગીદારી કરી હતી. રોહિતે પણ સદી ફટકારતા ૧૦૧ રનની ઈનિંગ્સ રમી હતી. વિરાટ કોહલી ૨૯ રન કરી આઉટ થયો હતો. ગિલની સાથે ઋતુરાજ ગાયકવાડ ૩૧ રને અણનમ રહ્યો હતો. ગિલે સૌથી ઝડપી બેવડી સદી ફટકારી આ મામલે ભારતના જ ઈશાન કિશનનો રેકોર્ડ તોડ્યો છે. ઈશાને ૨૦૨૨માં બાંગ્લાદેશ વિરૂદ્ધ ૧૨૬ બોલમાં બેવડી સદી ફટકારી હતી. આ ગિલની બીજી બેવડી સદી પણ છે. તેણે ૨૦૨૩માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ૧૪૯ બોલમાં ૨૦૮ રનની ઈનિંગ્સ રમી હતી. ભારત અગાઉ વન-ડે ક્રિકેટમાં ૪૦૦ રનનો લક્ષ્યાંક માત્ર દક્ષિણ આફ્રિકા જ ચેઝ કરી શક્યું છે. દક્ષિણ આફ્રિકા એ ૨૦૦૬માં જ્હોનિસબર્ગમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ૪૩૫ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ભારતે ૧૯૭૪માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ તેની પ્રથમ વન-ડે મેચ રમી હતી. તે પછીથી અત્યારસુધી ભારતનો સૌથી મોટો સફળ ચેઝ ૩૬૦ રનનો હતો. જે ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ કર્યો હતો. રોહિત શર્માએ ૧૨,૦૦૦ વન-ડે રન પૂરા કર્યા છે. તેણે ૨૮૨ ઇનિંગ્સ અને ૧૨,૯૭૩ બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. તે સૌથી ઝડપી ૧૨,૦૦૦ રન પૂરા કરનાર બીજો ભારતીય છે. વિરાટ કોહલીએ ૨૪૨ ઇનિંગ્સ અને ૧૨,૮૫૩ બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. સચિન તેંડુલકરે ૩૦૦ ઇનિંગ્સમાં ૧૨,૦૦૦ વન-ડે રન પૂર્ણ કર્યા હતા. રિકી પોન્ટિંગે ૩૧૪ ઇનિંગ્સમાં અને કુમાર સંગાકારાએ ૩૩૬ ઇનિંગ્સમાં ૧૨,૦૦૦ વન-ડે રન પૂરા કર્યા હતા.