તલ-અફારની આઝાદી બાદ દાઈશ આતંકીઓ ૧૪૦૦ વિદેશી મહિલાઓ અને બાળકોને છોડી ગયા

(એજન્સી) તલ-અફાર, તા.૧૨
તલ-અફારમાંથી હાંકી કઢાયા બાદ દાઈશ આતંકી સમૂહ દ્વારા આશરે ૧૪૦૦ વિદેશી મહિલાઓ અને બાળકોનો ત્યાગ કરવામાં આવ્યો છે, જેઓ હાલ ઈરાકી સરકારની કેદમાં છે. ઈરાકી સુરક્ષા અધિકારીઓ અને સહાયક અધિકારીઓએ જણાવ્યા અનુસાર દાઈશ આતંકીઓ દ્વારા છોડવામાં આવેલી મહિલાઓએ બાળકોમાં મોટાભાગના લોકો રશિયા, તુર્કી અને મધ્ય એશિયા તથા કેટલાક યુરોપીય દેશના પણ હતા. ઈરાકી અધિકારીઓ હાલ તેમની ઓળખ અને નાગરિકતા ચકાસી રહ્યા છે કારણ કે મોટાભાગની મહિલાઓએ પોતાના મૂળ ઓળખપત્ર ગુમાવી દીધા છે અથવા તો તેમનો નાશ થયો છે. ૩૧ ઓગસ્ટના રોજ ઈરાકના વડાપ્રધાન હૈદર અલ-અબાદીએ ઘોષણા કરી હતી કે તલ-અફાર અને સમગ્ર નિનેવેહ પ્રદેશને દાઈશના સકંજામાંથી મુક્ત કરાવી લેવામાં આવ્યું છે. હાલ ઈરાકી સરકાર આ મહિલાઓને તેમના દેશ પરત મોકલવા માટે તેમના દેશોના દૂતાવાસ સાથે વાતચીત કરી રહી છે. ફ્રાન્સની એક મહિલાએ દાવો કર્યો કે તે પેરિસથી આવી છે પરંતુ તે ત્યાં કેવી રીતે પાછા ફરવું તે જાણતી નથી. તેણીએ તેમ પણ જણાવ્યું કે તેનો પતિ આતંકી સંગઠનમાં જોડાવવા માટે અહીં લાવ્યો હતો પરંતુ તે હાલ ક્યાં છે તે અંગે તેે કોઈ જાણકારી નથી. કેટલીક મહિલાઓએ તેવો દાવો કર્યો કે તેમના પતિએ તેમને તુર્કીની યાત્રા દરમિયાન છેતરીને આતંકી સમૂહમાં સામેલ કરી હતી. ફ્રેન્ચ મહિલાએ જણાવ્યું કે મારી માતા તે પણ નથી જાણતી કે હું ક્યાં છું. મેં ફક્ત ત્રણ મહિના પહેલા જ આ બાળકીને જન્મ આપ્યો છે. મારા પતિએ કહ્યું હતું કે, આપણે એક અઠવાડિયા માટે તુર્કી જઈએ. તેણે પ્લેન અને હોટલની ટિકિટો લઈ રાખી હતી. તલ-અફાર સીરિયાની બોર્ડરથી આશરે ૧૫૦ કિમી દૂર આવેલું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks