ગાલે, તા.રપ
છેલ્લા કેટલાક સમયથી શાનદાર પ્રદર્શન કરી રહેલી ભારતીય ટીમ જ્યારે ત્રણ મેચોની સીરિઝની પ્રથમ મેચમાં શ્રીલંકાનો સામનો કરવા માટે ઊતરશે તો તેનું લક્ષ્યાંક ટેસ્ટ સીરિઝમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનું હશે. આ તે જ સ્થળ છે જ્યાં ભારતને બે વર્ષ પહેલાં શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો પણ ત્યારબાદ તેણે સતત સારૂં પ્રદર્શન કર્યું છે અને વિશ્વની નંબર વન ટીમ બની. વિરાટ કોહલી એન્ડ કંપની ર૦૧પમાં ગાલેમાં થયેલા પરાજયનો બદલો લેવા આતુર હશે. ત્યારે ભારતીય ટીમ ૧૭૬ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ૧૧ર રનમાં સમેટાઈ ગઈ હતી. ત્યારથી લઈ અત્યાર સુધી ઘણું બધું બદલાઈ ચૂક્યું છે. યુવા અને આક્રમક કપ્તાન હવે પરિપકવ બની ગયો છે. જેના નેતૃત્વમાં ટીમે ર૦૧૬-૧૭ની સિઝનમાં વેસ્ટઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ર૭ ટેસ્ટ મેચોમાંથી ૧રમાં વિજય મેળવ્યો છે. આ સાથે રવિ શાસ્ત્રી બીજીવાર ભારતીય ટીમના મહત્ત્વપૂર્ણ પદે પોતાની બીજી ઈનિંગની શરૂઆત કરશે. ટીમમાં શિખર ધવન સાથે અભિનવ મુકુન્દ ઈનિંગની શરૂઆત કરશે. કારણ કે રાહુલ તાવના કારણે પ્રથમ ટેસ્ટ રમી શકશે નહીં.