૭૦,૦૦૦ રોહિંગ્યા સેનાના જુલમને પગલે બાંગ્લાદેશ પલાયન કરી ગયા છતાં
(એજન્સી) નેયપીટો, તા. ૧
મ્યાનમારની સેનાએ અહીના રોહિંગ્યા મુસ્લિમો પર કરાયેલા અત્યાચારના અહેવાલોને ફગાવી તેની કાર્યવાહીનો બચાવ કરતા જણાવ્યંુ હતું કે, દેશને બચાવવા માટે આ પગલું ભરવું જરૂરી હતું. સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતો તરફથી માનવ અધિકારના ઉલ્લંઘનના આરોપોનો પહેલીવાર મ્યાનમારની સેનાના પ્રમુખે સીધા જવાબ આપ્યા હતા. રોહિંગ્યા મુસ્લિમો પર અત્યાચાર અને તેમના મકાનો બાળી નાખવાના મીડિયા રીપોર્ટમાં લગાવાયેલા આરોેપોના સંદર્ભમાં જનરલ સ્ટાફ ચીફ જનરલ મ્યા તુન ઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારના આરોપો લગાવાયા બાદ મને દુઃખ થાય છે.
મ્યાનમારના જનરલે કેટલાક મીડિયા રિપોર્ટને ટાંકતા જણાવ્યું હતું કે, તેઓ દાવો કરી રહ્યા છે કે, અહીં લોકો પર જુલમ થયા છે પરંતુ જે વિસ્તારોની આ લોકો વાત કરી રહ્યા છે તે વિસ્તારના લોકોન તો ખબર પણ નથી કે, તેમના પર કોઇ અત્યાચાર થયા છે કે નહીં. સેનાએ બાંગ્લાદેશ સરહદ પર નવમી માર્ચના રોજ સલામતી પોસ્ટ પર હુમલો થતા તેમાં નવ પોલીસકર્મીના મોત થયા બાદ આ પગલાં લીધા હતા. જોકે, સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે આશરે ૭૦,૦૦૦થી વધુ રોહિંગ્યા મુસ્લિમો આ પ્રકારના મિલિટ્રી હુમલા બાદ મ્યાનમાર છોડીને બાંગ્લાદેશમાં પલાયન કરી ગયા છે. દરમિયાન સેનાના ટેકામાં આયોજિત કોન્ફરન્સમાં કહેવાયંું હતું કે, આંતરરાષ્ટ્ર્ીય ચકાસણીકારોએ ઝીણવટપૂર્વકની તપાસ બાદ કહ્યું છે કે, અહીં માનવ અધિકારના ઉલ્લંઘનનો કોઇ કિસ્સો બન્યો નથી. પરંતુ સંયુક્ત રાષ્ટ્રની અંગત તપાસમાં મોટા પાયે લોકો પર અત્યાચાર કરવાના મામલા બહાર આવ્યા હતા. દરમિયાન મ્યા તુન ઓએ જણાવ્યંું હતું કે, આ અંગે અમારી તપાસ ચાલુ છે.