બંને ટીમો ૧-૧ ટેસ્ટ મેચ જીતી હોવાથી ત્રીજી ટેસ્ટને લઈ ઉત્સાહ
રાંચી,તા. ૧૫
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ આવતીકાલથી રાંચીના જેએસસીએ મેદાન ખાતે શરૂ થઇ રહી છે. બન્ને ટીમો એક એક ટેસ્ટ મેચ જીતી ચુકી છે જેથી રાંચીમાં શરૂ થઇ રહેલી ટેસ્ટ મેચ રોમાંચક બની શકે છે. બન્ને ટીમો ઉંચા નૈતિક જુસ્સા સાથે મેદાનમાં ઉતરનાર છે. સ્ટીવ સ્મીથના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન ટીમ પ્રભાવશાળી દેખાવ કરવા માટે સજ્જ બનેલી છે. ટીમમાં ડેવિડ વોર્નર, સોન માર્શ, પીટર હેન્ડ્સકોમ જેવા બેટ્સમેનો છે. વર્તમાન શ્રેણીમાં ધરખમ બેટ્સમેન ડેવિડ વોર્નર હજુ સુધી અપેક્ષા મુજબ દેખાવ કરી શક્યો નથી. પરંતુ આવતીકાલથી શરૂ થતી ટેસ્ટ મેચમાં તેની પાસેથી શાનદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. હજુ સુધીની બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં કેટલાક બેટ્સમેનો ફ્લોપ રહ્યા છે. જો કે ત્રીજી ટેસ્ટ મેચમાં પણ તમામની નજર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા પર કેન્દ્રિત થઇ ગઇ છે. વિરાટ કોહલી માટે આ શ્રેણી બેટીંગની દ્રષ્ટીએ હજુ સુધી સારી રહી નથી.
પુણેની પીચને લઇને ભારે હોબાળોે રહ્યા બાદ હવે રાંચીમાં રમાનાર ટેસ્ટ મેચને લઇને પણ ચર્ચા છે. આ પીચને લઇને ઓસ્ટ્રેલિયન છાવણીમાં પહેલાથી જ ખળભળાટ છે. જાણકાર ક્રિકેટ પંડિતો માને છે કે વિકેટ ખુબ જ ઝડપથી ટર્ન લેવાની શરૂઆત કરશે અને સ્પીનરોને જોરદાર મદદ કરશે જેથી ઓસ્ટ્રેલિયન ટીમ ચિંતાતુર બનેલી છે.આ વિકેટ પર રવિચન્દ્ર અશ્વીન ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે છે.