(એજન્સી) બેંગ્લુરુ,તા.૨૩
ટીપુ સુલતાનની જયંતીને લઇને કર્ણાટકમાં વિવાદ વધુ વકરી રહ્યો છે. કર્ણાટક સરકાર ટીપુ જયંતિ પર મને ન બોલાવે, તે હત્યારો હતો એવા નરેન્દ્ર મોદી સરકારના પ્રધાન અનંત હેગડેએ કર્ણાટક સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે તેમને ટીપુ જયંતીના કાર્યક્રમમાં બોલાવવામાં ન આવે.
અનંતકુમાર હેગડેના આ પત્ર લખવાના પગલાને વખોડી કાઢતા કર્ણાટક સરકારના પ્રધાન સિદ્ધરમૈયાએ જણાવ્યું હતું કે હેગડેએ સરકારમાં રહીને આવો પત્ર લખવો જોઇએ નહીં. તેમણે જણાવ્યું હતું કે ટીપુ જયંતિના કાર્યક્રમનું આમંત્રણ તમામ કેન્દ્રીય અને રાજ્યકક્ષાના પ્રધાનોને મોકલવામાં આવે છે. કોઇએ તેમાં આવવું કે નહીં તે તેમના પર નિર્ભર કરે છે. આ મામલાને બિનજરૂરી રીતે રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.
સિદ્ધરમૈયાએ જણાવ્યું હતું કે બ્રિટિશ સરકાર સામે ચાર યુદ્ધ લડવામાં આવ્યા હતા અને તેમાં ટીપુ સુલતાને ભાગ લીધો હતો. આ અગાઉ હેગડેએ સિદ્ધરમૈયાના સચિવ અને ઉત્તર કન્નડ જિલ્લાના કલેક્ટરને પત્ર લખીને ૧૦ નવે. યોજાનારા ટીપુ જયંતિ સમારોહમાં પોતાનું નામ સામેલ નહીં કરવા જણાવ્યું હતું. કોંગ્રેસ સરકારે ટીપુ સુલતાનની જયંતિને વાર્ષિક કાર્યક્રમ બનાવવાનો નિર્ણય કર્યો છે. ૨૦૧૫માં આ કાર્યક્રમનું પ્રથમ વખત આયોજન થયું ત્યારે જમણેરી પાંખના હિન્દુ જૂથો સાથેની અથડામણમાં ૩ લોકોનાં મોત થયા હતા. ૨૦૧૫થી કોંગ્રેસ શાસિત સરકાર ૧૮મી સદીના મૈસૂરના શાસક ટીપુ સુલતાનની જન્મજયંતીની ઉજવણી કરી રહી છે જેનો ભાજપ વિરોધ કરી રહી છે.