(એજન્સી) યુએન, તા.ર૦
૭૦૦૦થી વધુ ભારતીયોએ અમેરિકામાં શરણાગતિ મેળવવા માટે ગયા વર્ષે અરજી કરી હતી. યુએનની શરણાર્થી એજન્સીએ પોતાના રિપોર્ટમાં માહિતી આપી હતી. એમણે જણાવ્યું કે, દુનિયામાં શરણાગતિ મેળવવા સૌથી વધુ અરજીઓ અમેરિકાને કરવામાં આવી હતી. એજન્સીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે ગયા વર્ષના અંત સુધી દુનિયાભરમાં ૬૮.પ મિલિયન લોકો વિસ્થાપિત થયા હતા. જેમાંથી ફકત ર૦૧૭ના વર્ષમાં જ ૧૬.ર મિલિયન લોકો પહેલી વખત અથવા બીજી વખત વિસ્થાપિત થયા હતા જે દર્શાવે છે કે, લગભગ ૪૪,પ૦૦ લોકો પ્રતિદિવસે વિસ્થાપિત થઈ રહ્યા હતા. યુદ્ધો, અન્ય હિંસાઓ અને નબળી સ્થિતિના લીધે દુનિયાભરમાં લોકો પોતાનું વતન છોડવા મજબૂર બન્યા હતા. જેનો આંકડો ર૦૧૭માં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ હતો. સૌથી વધુ લોકો જે દેશોમાં વિસ્થાપિત થયા હતા એ દેશોમાં કોંગો, દક્ષિણ સુદાનનું યુદ્ધ, મ્યાનમારમાં ફેલાયેલ વંશીય હિંસાથી રોહિંગ્યા મુસ્લિમોનું બાંગ્લાદેશ તરફ પલાયન હતું. વિસ્થાપિતોની સૌથી વધુ સંખ્યા વિકાસશીલ દેશોમાં હતી. શરણાગતિ મેળવવા અને શરણાર્થીનો દરજ્જો મેળવવા માટે ૩૧ ડિસેમ્બર ર૦૧૭ સુધી સંખ્યા ૩ લાખ જેટલી વધી ૩૧ લાખ થઈ ગઈ છે. શરણાગતિ માટે અરજી કરનારાઓની સંખ્યા વેનેઝુએલાના લોકોની વધી ગઈ હતી. જેમાં ૬૩ ટકા વધારો થયો હતો જે દેશની ગંભીર પરિસ્થિતિઓ દર્શાવે છે. રિપોર્ટ મુજબ ભારતમાં ર૦૧૭ના અંત સુધીમાં લગભગ ર લાખ શરણાર્થીઓ છે અને ૧૦પ૧૯ અરજીઓ પડતર છે. ભારતમાંથી શરણાગતિ માટે અરજી કરનારાઓની સંખ્યા ૪૦૩૯૧ હતી.