(એજન્સી) જિદ્દાહ, તા.ર૩
મક્કામાં ભારે વરસાદને કારણે અનેક લોકો રસ્તા પર ફસાઈ ગયા છે. નાગરિક સુરક્ષા દળોએ બચાવ કામગીરી હાથ ધરીને મક્કા પ્રાંતમાંથી લગભગ ૪૦૦ લોકોને બચાવી લીધા છે. પરંતુ ભારે વરસાદને કારણે અહીં વીજ પ્રવાહમાં પણ ભંગાણ પડ્યું હતું જેને પગલે રપ૦ લોકોને વીજ કરંટ લાગ્યો હતો. તેમ મક્કાના નાગરિક સુરક્ષા પ્રવક્તા સૈયદ સરહાને જણાવ્યું હતું. વીજ કરંટ લાગવાને કારણે ર લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય ત્રણની હાલત સ્થિર છે.
મક્કાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રએ જાહેર કર્યું કે પ્રદેશમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અલ-લેઈથ શહેર તથા ખીણ પ્રદેશના લોકોને ચેતવણી આપવામાં આવી છે. મક્કાના પ્રિન્સ ખાલિદ અલ-ફૈઝલ કેન્દ્ર પરથી ડેપ્યુટી ગવર્નર સાથે પરિસ્થિતિની સતત દેખરેખ રાખી રહ્યા છે. આ સાથે જ સુરક્ષા મંત્રાલયના પ્રતિનિધિઓ અને સંબંધિત અધિકારીઓ પણ પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે. દરમ્યાન સઉદી એટર્ની જનરલ શેખ સૌદ અલ-મોજેબે મંગળવારે નિર્દેશો બહાર પાડ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે મક્કામાં આવેલ જાહેર કાર્યવાહી શાખાના વડા તથા રાજ્યામાં આવેલ તમામ જાહેર કાર્યવાહીના કેન્દ્રોના વડાઓ તાજેતરમાં જિદ્દાહમાં ઊભી થયેલી પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એકજૂટ થઈને કાર્ય કરે.
ધ જનરલ ઓથોરિટી ફોર મિટીઓરોલોજી એન્ડ એન્વાયરમેન્ટલ પ્રોટેકશને જણાવ્યા અનુસાર પ્રદેશમાં સતત વરસાદ વધી રહ્યો છે. વરસાદને કારણે જિદ્દાહ, ઉસ્ફાન, ધબાન, બહરા, ખુલૈસ મક્કા અને તૈફના દરેક વિસ્તારો અસરગ્રસ્ત બન્યા છે.