(એજન્સી) તા.૧૮
મહિનાઓ પૂર્વે એવું લાગતું હતું કે ઉત્તર કોરિયા સાથેની વાટાઘાટમાં અમેરિકા ચીનને દૂર રાખશે કારણ કે પ્યોેંંગયાંગ અને વોશિંગ્ટન વચ્ચે સીધો સંપર્ક પ્રસ્થાપિત થયો હતો પરંતુ બેઇજિંગ કોરિયાઇ દ્વિપકલ્પ પર આ કાર્યવાહીથી પોતાને અલગ રાખી શકે તેમ ન હતું કારણ કે ત્યાં તેના સુરક્ષા અને આર્થિક હિતો લાંબા સમયથી સંકળાયેલા છે. આથી ચીનના અધિકારીઓ અમેરિકા અને ઉત્તર કોરિયા બંનેને યાદ અપાવવા ઝડપથી આગળ વધ્યા હતા કે બેઇજીંગની હાજરી અનિવાર્ય છે અને શિખર પરિષદ બાદ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એવી આઘાતજનક જાહેરાત કરી કે અમેરિકા દ.કોરિયામાં તેની જંગી યુદ્ધ રમત અટકાવશે ત્યારે સ્પષ્ટ થયું હતું કે બેઇજિંગે આ કાર્યવાહી પર પોતાની છાપ ઊભી કરી છે. આ નાટકીય બદલાવ એ બાબતમાં વધુ સુદ્રઢ થયો હતો જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો, ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચેની બેઠક પર ચીનના પ્રમુખ શી જિનપિંગ અને અન્ય ટોચના નેતાઓને વાકેફ કરવા બેઇજિંગ ધસી ગયા હતા. સિંગાપોર શિખરના પરિણામો આમ ચીનની અપેક્ષાને સુસંગત છે એવું શાંઘાઇ ફુદાન યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય સંબંધો પરના નિષ્ણાત હ્યુ ઝિંબોએ જણાવ્યું હતું. ઉત્તર કોરિયાનું સંપૂર્ણપણે અણુ નિઃશસ્ત્રીકરણ અને શાંતિ યંત્રણાની સ્થાપના એ બંને બાબતો ચીનની સતત અપેક્ષા અને દાવાને સુસંગત છે. આમ આ સંવેદનશીલ વિષય પર ચર્ચા કરતા પશ્ચિમના એક રાજદ્વારીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચેની શિખરનું પરિણામ એ આવ્યું છે કે ચીન આ મામલામાં વ્યૂહાત્મક વિજેતા તરીકે ઊભરી આવ્યું છે. આમ ટ્રમ્પ અને કિમ જોંગની શિખરના મામલે કોઇએ ચીનને એક બાજુ મૂૂકી દીધું નથી કે તેની ઉપેક્ષા કરવામાં આવી નથી વાસ્તવમાં ચીનનો વ્યૂૂહાત્મક વિજય થયો છે.