લંડન,તા. ૭
વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં ત્રીજા ક્રમાંકિત ખેલાડી રોજર ફેડરરે તેના હરિફ ડુસાન લાજોવિક પર સીધા સેટોમાં ૭-૬, ૬-૩, ૬-૨થી જીત મેળવી ત્રીજા રાઉન્ડમાં કુચ કરી હતી. રોજર ફેડરર આઠમી વખત વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતર્યો છે. અન્ય એક મેચમાં બીજા ક્રમાંકિત ખેલાડી નોવાક જોકોવિકે એડમ પાવલાસ્ક પર ૬-૨, ૬-૨ અને ૬-૧થી જીત મેળવી હતી.
ચેમ્પિયન જોકોવિકે તેના હરીફ ખેલાડી ચેકગણરાજ્યના પાવલાસેક ઉપર માત્ર ૯૦ મિનિટમાં જીત મેળવી હતી. જોકોવિકે આ મેચ કોર્ટ નંબર ૧ ઉપર ૬-૨, ૬-૨, ૬-૧થી જીતી લીધી હતી.
ગયા વર્ષે રનઅર્સઅપ રહેલા રાવોનિકે જોરદાર વાપસી કરીને ૨ કલાક ૪૦ મિનિટ સુધી ચાલેલી મેચમાં પોતાના હરીફ ખેલાડી ઉપર જીત મેળવી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાના થીમે પણ પોતાની મેચ જીતી હતી. સ્પેનના ડેવિડ ફેરરે સ્ટીવ દાર્દીસે વિડ્રો કરી લેતા ત્રીજા રાઉન્ડમાં કૂચ કરી હતી. અમેરિકાના ૧૭માં ક્રમાંકિત ખેલાડી જેક શોકે ઓસ્ટ્રીયન ક્વોલીફાયર સેબેસ્ટાઇન ઉપર રોમાંચક મેચમાં જીત મેળવી હતી.