આદિવાસી સમુદાયો માટે કામ કરતા ડૉ.રેન્ડલ સિકેરા અને દલિત કાર્યકર્તા લક્ષ્મણ નાયકની ધરપકડ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે

 

ડૉ.રેન્ડલ સિકેરા એક ચિકિત્સક અને સામુદાયિક સ્વાસ્થ્ય કાર્યકર છે, જેમણે ઓડિશાના કાલાહાંડી અને રાયગડા જિલ્લાઓમાં આદિવાસી સમુદાયો વચ્ચે કામ કર્યું છે, લક્ષ્મણ નાયક એક દલિત કાર્યકર્તા છે અને તેઓ ‘મા માટી માલી સુરક્ષા મંચ’ તથા ‘સમાજવાદી જન પરિષદ’ સાથે સંકળાયેલા છે

 

(એજન્સી) ઓડિશા, તા.૨૫
સામાજિક કાર્યકર્તા ડૉ.રેન્ડલ સિકેરા અને દલિત કાર્યકર્તા લક્ષ્મણ નાયકની ધરપકડનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ૧૬ ઓક્ટોબરની રાત્રે લગભગ ૧૦ઃ૪૫ વાગ્યે, પોલીસે તેમને ભવાનીપટના સ્થિત ડૉ.રેન્ડલ સિકેરાના ઘરેથી અટકાયતમાં લીધા હતા. રાતભર અટકાયતમાં રાખ્યા બાદ, તેમને રાયગડા લઈ જવામાં આવ્યા, જ્યાં સાંજે લગભગ ૬ઃ૩૦ વાગ્યે તેમને સબ-ડિવિઝનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (SDJM) સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને ત્યારબાદ રાયગડા સબ-જેલમાં મોકલી દેવામાં આવ્યા. તેમની ધરપકડ બાદ, સામાજિક સંગઠનોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. ‘રોજી રોટી અધિકાર અભિયાન’ નામના સંગઠને આ ધરપકડો અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. સંગઠન દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝ મુજબ, આ બંનેની ધરપકડ રાયગડા જિલ્લાના કાશીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ નંબર ૮૫/૨૦૨૬ સાથે સંબંધિત છે. આ કેસ ૬ અને ૭ એપ્રિલ, ૨૦૨૬ની રાત્રે કાંતામાલ ગામમાં બનેલી એક ઘટના સાથે જોડાયેલો છે. તે ઘટના દરમિયાન, ગ્રામજનો પર લાઠીચાર્જ અને ટીયર ગેસ (અશ્રુવાયુ)નો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો હતા. આ ઘટનામાં ગ્રામજનો અને પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા હોવાનું જણાવાયું હતું. અભિયાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હ્લૈંઇ (પ્રાથમિક માહિતી અહેવાલ)માં ડૉ.રેન્ડલ અને લક્ષ્મણ નાયકના નામનો ઉલ્લેખ નહોતો. સંગઠને તેમના મોબાઈલ ફોન જપ્ત કરવા અને અટકાયત દરમિયાન અનુસરવામાં આવેલી કાનૂની પ્રક્રિયાઓ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. આ બાબતોની નિષ્પક્ષ તપાસની માંગણી કરતા, ‘રોજી રોટી અધિકાર અભિયાન’એ જણાવ્યું હતું કે અટકાયતની પ્રક્રિયા કાયદા અનુસાર હોવી જોઈએ અને તેમના પરિવારો તથા વકીલોને સમયસર માહિતી પૂરી પાડવી જોઈએ. સામાજિક કાર્યકર અને ‘ટ્રાઇબલ આર્મી’ (Tribal Army)ના સ્થાપક હંસરાજ મીણાએ પણ આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમના મતે, ઓડિશામાં આદિવાસી સમુદાયોની સેવા કરનારા ડૉ.રેન્ડલ સિકેરા અને દલિત કાર્યકર લક્ષ્મણ નાયકની ધરપકડ અત્યંત ચિંતાજનક છે. જે ડૉક્ટરે વર્ષો સુધી આદિવાસી બાળકોની સારવાર કરી છે, તેઓ આજે માત્ર એટલા માટે જેલમાં છે કારણ કે તેમણે આદિવાસીઓના જળ, જંગલ અને જમીનના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો હતો. સરકાર આદિવાસીઓની જમીન અને જંગલોનું રક્ષણ કરનારા લોકોને શા માટે ગુનેગાર ઠેરવી રહી છે ? શું ખાણકામ કરતી કંપનીઓના હિતો આદિવાસીઓના બંધારણીય અધિકારો કરતાં પણ મોટા થઈ ગયા છે ? મીણાએ ડૉ. રેન્ડલ સિકેરા અને લક્ષ્મણ નાયકની તાત્કાલિક મુક્તિ, નિષ્પક્ષ તપાસ અને આદિવાસી અધિકારોના રક્ષણની માંગ કરી છે. ડૉ. રેન્ડલ સિકેરા એક ચિકિત્સક અને સામુદાયિક સ્વાસ્થ્ય કાર્યકર છે, જેમણે ઓડિશાના કાલાહાંડી અને રાયગડા જિલ્લાઓમાં આદિવાસી સમુદાયો વચ્ચે કામ કર્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks