પીડિતાનો મૃતદેહ કપડા વગર, હાથ-પગ ફ્રેક્ચર અને આંખો ફાટેલી હાલતમાં સૂકા નાળામાંથી મળી આવતા પરિવારજનોને ગેંગરેપની શંકા
(એજન્સી) લખનૌ, તા.ર
શંકાસ્પદ ગેંગરેપ અને હત્યાના એક ભયાનક કેસમાં, અયોધ્યાના કોતવાલી પોલીસ સ્ટેશન હદ હેઠળના સહનાવા ગામની બહાર ૨૨ વર્ષીય દલિત મહિલાનો કપડા વગરનો મૃતદેહ મળી આવ્યો. સંબંધીઓના જણાવ્યા મુજબ પીડિતા રહસ્યમય સંજોગોમાં ગુમ હતી અને હાથ-પગ ફ્રેક્ચર અને આંખો ફાટેલી હાલતમાં તેનો કપડા વગરનો મૃતદેહ ગામની બહાર સૂકા નાળામાંથી મળી આવ્યો હતો. પીડિતાના પરિવાર અને ગ્રામજનોને શંકા હતી કે આ ગેંગરેપ અને હત્યાનો કેસ છે. પરિવારના સૂત્રોના જણાવ્યા મુજબ, ગુમ થયેલી પીડિતા વિશે કોઈ સુરાગ ન મળતાં, તેઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને અજાણ્યા વ્યક્તિઓ સામે અપહરણનો કેસ નોંધાવ્યો. આ દરમિયાન, પીડિતાનો નગ્ન મૃતદેહ તેની મોટી બહેનના પતિએ ગામની બહાર સૂકા નાળામાં જોયો. તેના હાથપગ દોરડાથી બાંધેલા હતા, આખા શરીર પર ઈજાના નિશાન હતા અને લોહીથી લથપથ તેના કપડાં પણ શરીરથી થોડા અંતરે મળી આવ્યા હતા. કોતવાલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મનોજ શર્માએ જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ હત્યાનો મામલો લાગે છે, વધુ તપાસ ચાલુ છે. બીજી તરફ, મૃતદેહ જોતાં પરિવારની મહિલા સભ્યો બેભાન થઈ ગઈ હતી. પીડિતાની મોટી બહેને જણાવ્યું હતું કે તે ગુરૂવારે રાત્રે લગભગ ૧૦ વાગ્યે ગામમાં કોઈ ધાર્મિક ‘પ્રવચન’ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઘરેથી નીકળી હતી. સર્કલ ઓફિસર આશુતોષ તિવારીના જણાવ્યા મુજબ, ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે અને બળાત્કારના આરોપની સત્યતા શબપરીક્ષણ રિપોર્ટ પછી જ સ્થાપિત થશે. સીઓએ જણાવ્યું હતું કે, "અમે કેસ નોંધ્યો છે અને આ સંદર્ભમાં ગ્રામજનોની પૂછપરછ માટે ટીમો બનાવી છે." દરમિયાન, સમાજવાદી પાર્ટીના સ્થાનિક નેતા તેજ નારાયણ પાંડે પરિવારને મળ્યા હતા અને તેમને તમામ મદદની ખાતરી આપી હતી. ૫ ફેબ્રુઆરીએ યોજાનારી મિલ્કીપુર પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને આ એક સંવેદનશીલ મુદ્દો બની શકે છે.