મુસ્લિમ વિદ્યાર્થિનીઓને બુરખો-હિજાબ-ઓઢણી ઉતારવાનું કરાયું ફરમાન
અન્ય સમાજના લોકો તેમની ઓળખ સાથે જઈ શકે તો મુસ્લિમ માટે કેમ પ્રતિબંધ; પૂર્વ કોંગી એમએલએ સહિતના અગ્રણીઓ પહોંચી જતાં આખરે પરીક્ષા આપવા દેવાઈ
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૩
‘સબ કા સાથ સબ કા વિશ્વાસ’ની મોટા ઉપાડે વારંવાર વાતો કરતી ભાજપ સરકારના શાસનમાં એક માત્ર સૂત્ર જ રહી ગયું હોય તેમ બહાર આવતી હકીકતો પરથી સ્પષ્ટ જણાય છે. અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ કે જેઓને અભ્યાસ સિવાયની કોઈ રાજકીય કે અન્ય બાબતો સાથે લેવા-દેવા ના હોઈ શકે તેવા વિદ્યાર્થીઓને કેટલાક સંકુચિત અને કોમવાદી માનસિકતા ધરાવનારા તત્વો તેમાં ખેંચવાનો પ્રયાસો કરતા રહે છે. આવો જ એક બનાવ શહેરની એસવીપી હોસ્પિટલ ખાતે આજે બનવા પામ્યો હતો. પેરામેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા છેલ્લા વર્ષના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને મુસ્લિમ ઓળખ સાથે પરીક્ષા આપવા જતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પેરા મેડિકલ ક્ષેત્રે નર્સિંગમાં અભ્યાસ કરતા મુસ્લિમ વિદ્યાર્થી આજે સવારે પરીક્ષા આપવા માટે એસવીપી હોસ્પિટલ ખાતે પહોંચતા છઠ્ઠા માળે પરીક્ષા સ્થળે અંદર પ્રવેશ કરતા તેમને અટકાવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીને દાઢી હોઈ તેને દાઢી કપાવીને આવવા જણાવી પરીક્ષા આપવા જવા દેવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં મુસ્લિમ સમાજમાં પરદો કરતી સ્ત્રીઓ બુરખો અને હિજાબ પહેરે છે ત્યારે આજે પરીક્ષા આપવા આવેલી કેટલીક આવી મુસ્લિમ વિદ્યાર્થિનીઓને પણ અંદર જતાં અટકાવવામાં આવી હતી. તેઓને બુરખો તથા હિજાબ, ઓઢણી (દુપટ્ટો) વગેરે ઉતારીને જ અંદર જવા ફરમાન કરવામાં આવ્યું હતું. સંકુચિત અને કોમવાદી માનસિકતા ધરાવતા પરીક્ષા સ્થળના જવાબદાર કર્મીઓ અધિકારીઓના આવા પ્રકારના વલણથી આ વિદ્યાર્થીઓ હેબતાઈ જવા સાથે ચિંતામાં આવી ભયભીત થઈ ગયા હતા. પરીક્ષા આપવા નહી મળે તો આખું વર્ષ બગડવા સાથે ભાવિને લઈ ચિંતિત આ વિદ્યાર્થીઓએ પોતાની કોલેજના તથા અન્ય સંબંધી વગેરેનો સંપર્ક કરવા પ્રયાસો શરૂ કરી આપવીતી વર્ણવી હતી જેને લઈને પરીક્ષા સ્થળે કોલેજ સાથે જોડાયેલા તથા સંબંધીઓ અને સામાજિક કાર્યકરો દોડી આવ્યા હતા. જાણ થતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ ત્યાં પહોંચી ગયા હતા. આ બધા લોકોએ પરીક્ષા સ્થળે હાજર જવાબદાર અધિકારી કર્મચારીઓને આ પ્રકારના વર્તન સામે સવાલ ઉઠાવી રજૂઆતો કરતા આખરે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે જવા દેવાયા હતા. જો કે બેથી ત્રણ કલાકનો સમય તેમાં વેડફાયો હતો. ઉપરાંત મુસ્લિમ વિદ્યાર્થિનીઓને તો બુરખો હિજાબ ઉતારીને જ જવા દેવામાં આવી હતી. આ સ્થળે ઉપસ્થિત લોકોનું કહેવું હતું કે, અન્ય સમાજ ધર્મના લોકો પોત-પોતાની ઓળખ સાથે આવે છે તો તેઓને અટકાવવામાં આવતા નથી. જેમ કે શીખ ભાઈઓ દાઢી વગેરે સાથે, અમુક ભાઈઓ ચોટી વગેરે સાથે આવે તો નર્સિંગ સ્ટાફ માથાના ભાગે કેપ ધરાવતી હોય છે તો તેઓને દુર કરવા માટે કહેવાતું નથી અને માત્ર મુસ્લિમ માટે આ પ્રકારની માનસિકતા કેવી ? તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે ત્યારે સત્તાવાળાઓ આ બાબતે કડક પગલાં લે અને જવાબદાર તત્વોને અન્ય રાજયોમાં લેવાય છે તેમ કડક સજા જેવા પગલા લેવાય તેવી માંગ સમાજમાંથી ઉઠવા પામી છે.