મદુરાઈ, તા.રપ
મદુરાઈના ઉસીલમપટ્ટીમાં દલિત કિશોર પર થયેલા હુમલાની સીપીઆઈ (એમ) એ કડક નિંદા કરી છે અને તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. આ કેસમાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. મદુરાઈ ગ્રામીણ જિલ્લા પોલીસે ૧૬ જાન્યુઆરીના રોજ સંગમપટ્ટી ગામમાં ૧૭ વર્ષના દલિત છોકરા પર જાતિવાદી અપશબ્દો બોલવા, તેને માર મારવા અને તેને પગે પડવા મજબૂર કરવા બદલ સગીરો સહિત છ લોકો સામે એસસી/એસટી અત્યાચાર નિવારણ (પીઓએ) કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે પીડિતે એવો પણ આરોપ લગાવ્યો હતો કે છ વર્ષના છોકરાની હાજરીમાં તેના પર પેશાબ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે તેનો ઇન્કાર કર્યો છે. સીપીઆઈ (એમ)ના રાજ્ય સચિવ પી શનમુગમે જણાવ્યું હતું કે દલિત કિશોર પર થયેલા ક્રૂર હુમલા અને જાતિગત અત્યાચાર પાછળના તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. તેમણે ઉમેર્યું, “તમિલનાડુ સરકાર અને પોલીસે આવા જાતિગત અત્યાચારોને રોકવા માટે પગલાં લેવા જોઈએ. વધુમાં, પીડિત અને તેના પરિવારને રક્ષણ આપવું જોઈએ અને વળતર પણ આપવું જોઈએ,”. આ દરમિયાન, પોલીસે જણાવ્યું હતું કે શકમંદોની પૂછપરછ ચાલુ છે અને કેસમાં તપાસ હજુ પણ ચાલુ છે.