(એજન્સી) તા.૩૦
મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના હિંદોરિયા પોલીસ સ્ટેશન હેઠળના હરદુઆ ગામમાં સોમવારે રાત્રે મુસ્લિમ ભેંસ વેપારીઓ પર કેટલાક લોકોના જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. ભોગ બનનાર વ્યક્તિઓની ઓળખ આબિદ કુરેશી અને હસન કુરેશી તરીકે થઇ છે. તેમણે દાવો કર્યો છે કે, હુમલાખોરોને શંકા હતી કે તેઓ પશુચોરી અને ગૌહત્યામાં સંડોવાયેલા છે. હસન કુરેશીના જણાવ્યા અનુસાર તેઓ આબિદ કુરેશી અને હુસૈન ખાન સાથે ભેંસોને સાગર સ્થિત એક ગૌશાળામાં લઇ જઇ રહ્યા હતા, ત્યારે હરદુઆ ક્યોલારી નજીક કેટલાક લોકોના જૂથે તેમનું પિકઅપ વાહન અટકાવ્યું. વેપારીઓનો આરોપ છે કે, આ જૂથે પહેલા વાહન પર ઇંટ ફેંકીને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેઓ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમનો કેટલાક કિલોમીટર સુધી પીછો કરવામાં આવ્યો, તેમને પકડી લેવામાં આવ્યા, દોરડાથી બાંધવામાં આવ્યા, ઢસડવામાં આવ્યા અને ગ્રામજનોની હાજરીમાં લાકડીઓ વડે માર મારવામાં આવ્યો. તેમણે દાવો કર્યો છે કે, હુમલો થઇ રહ્યો હતો ત્યારે તેમને કેમેરા સામે નિવેદનો આપવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, તેમણે ભેંસો સંબંધિત દસ્તાવેજો રજૂ કર્યા હોવા છતાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે આ હુમલાના સંદર્ભમાં દીપક નેમા, છુટકા અને નિખિલ ચૌરસિયા સહિતના કેટલાક વ્યક્તિઓના નામ આપ્યા છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, હુમલાખોરો બજરંગ દળ સાથે સંકળાયેલા હતા. આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઇ નથી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને પહેલા સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા અને બાદમાં દમોહ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમાંથી બે વ્યક્તિઓની હાલત ગંભીર હોવાથી તેમને જબલપુરની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ સુજીત સિંહ ભદોરિયાએ જણાવ્યું હતું કે, પીડિતોના નિવેદનો નોંધ્યા બાદ પોલીસ કેસ દાખલ કરશે. પોલીસ ભેંસોની ખરીદી અને પરિવહન સંબંધિત દસ્તાવેજોની પણ તપાસ કરી રહી છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, પોલીસના હસ્તક્ષેપને કારણે હુમલો અટક્યો હતો પરંતુ તેમણે ફરિયાદ નોંધવામાં થયેલા વિલંબ અંગે સવાલ ઉઠાવ્યા હતા.