સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદનો ચુકાદો આપી દીધો હોવા છતાં હજુ કેટલાક તકવાદી લોકો આ મુદ્દાને જીવંત રાખી રાજકીય રોટલા શેકવાના પ્રયાસો કરી રહ્યા છે : અહેવાલ
હાલ સમગ્ર દેશમાં કોરોના ગાઈડલાઈન અમલમાં હોવાથી ભીડ એકઠી કરવા સામે મનાઈ છે ત્યારે મંદિર માટે ભંડોળ એકઠું કરવા આવી રેલીઓને કોના ઈશારે અને કઈ રીતે મંજૂરી મળે છે, જેઓ મસ્જિદના મિનારાઓ પર ચઢી ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડી લોકોની ઉશ્કેરણી કરે છે : તોફાન પીડિતોનો મહત્ત્વપૂર્ણ સવાલ
વીડિયો પુરાવાના આધારે ૨૪ જેટલા તોફાની તત્ત્વોની ઓળખ કરી તેમને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા, બન્ને તરફ હજુ વધુ કેટલીક ધરપકડો કરાશે તેમજ મસ્જિદના મિનારા પર ચઢનારા તોફાની તત્ત્વોની પણ ઓળખ કરી તેમની સામે ભારતીય બંધારણની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાશે : ઈન્દોરના ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ યોગેશ દેશમુખ
(એજન્સી) ભોપાલ, તા.૩૧
સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને મંજૂરી આપ્યા બાદ હવે નવા પ્રકારની કોમી તોફાનની ઘટનાઓ સામે આવી રહી છે. મઘ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદિર નિર્માણ માટે ભંડોળ એકઠું કરવા રેલી યોજી ઓયોજનબદ્ધ રીતે મુસ્લિમો અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. જેના પગલે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, શું હવે મંદિર નિર્માણ માટે ભંડોળ એકઠું કરવાના નામ પર સંગઠિત રીતે રેલીઓ યોજી લઘુમતીઓ અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવશે અને હાલ કોરોનાના ગાઈડલાઈનના કારણે સમગ્ર દેશમાં લોકોના ભેગી થવા સામે રોક લગાવાઈ છે ત્યારે આવી રેલીઓની પરવાનગી કોણ આપી રહ્યું છે અને કોના ઈશારે આવી રેલીઓ યોજાઈ રહી છે? મધ્યપ્રદેશના ઈન્દોરમાં હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા ઉત્પાત મચાવવામાં આવ્યો હતો. બન્યું એવું કે, કટ્ટરવાદી લોકોએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે નાણાં ઉઘરાવવા એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી ઈરાદાપૂર્વક એક મસ્જીદ પાસે આવી ઊભી રહી ગઈ હતી. જ્યાં તેમણે અગાઉથી નક્કી હોય તેમ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. તોફાની તત્વો આટલેથી જ અટકયા ન હતા, તેમણે મસ્જીદમાં નમાઝ અદા થઈ રહી હતી ત્યારે મસ્જીદ પર ચઢી મિનારોઓને પણ નુકસાન પહોંચાડયું હતું. હિન્દુ સંગઠનના લોકોએ લઘુમતીઓના ઘરો અને વાહનો પણ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉશ્કેરણીજનક કૃત્ય બાદ સામ-સામે પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં ડઝનબંઘ લોકોને ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. ઈન્દોરના ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ યોગેશ દેશમુખે જણાવ્યું હતું કે, વીડિયો પુરાવાના આઘારે ૨૪ જેટલા તોફાની ત્તત્વોની ઓળખ કરી તેમને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. બન્ને તરફ હજુ વધુ કેટલીક ધરપકડો કરાશે તેમજ મસ્જીદના મિનારા પર ચઢનારા લોકોની પણ ઓળખ કરી તેમની સામે ભારતીય બંધારણની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાશે.