વચ્ચેની ઓવરોમાં અમારી બેટિંગ વિશે ચર્ચા થશે : રોહિત
કોલંબો, તા.૫
રોહિત શર્માના નેતૃત્વવાળી ભારતીય ટીમને શ્રીલંકા વિરુદ્ધ બીજી વન-ડેમાં ૩૨ રને પરાજયનો સામનો કરવો પડ્યો. યજમાન શ્રીલંકાએ કોલંબોના મેદાન પર નવ વિકેટે ૨૪૦નો સ્કોર બનાવ્યો. જવાબમાં ભારતની ઇનિંગ ૪૨.૨ ઓવરમાં સમેટાઇ ગઈ. રોહિત શર્માની ૪૪ બોલમાં ૬૪ રનની આક્રમક ઇનિંગના કારણે ભારતને સારી શરૂઆત મળી પણ તેમ છતાં ટીમ વિજય મેળવી શકી નહીં. શ્રીલંકાના સ્પિનર જેફ્રી વેંડરર્સે કમાલની બોલિંગ કરી ૧૦ ઓવરમાં ૩૩ રન આપી ૬ વિકેટ ઝડપી. હારથી દુઃખી રોહિતે ભારતીય બેટ્સમેનોને સલાહ પણ આપી. રોહિતે બીજી વન-ડે બાદ કહ્યું કે, જ્યારે તમે કોઈ મેચ હારો છો તો દરેક વસ્તુ દુઃખ આપે છે. આ ફક્ત તે ૧૦ ઓવરની વાત નથી. તમે મેચ જીતવા માંગો છો તો કન્સિસ્ટન્ટ રહેવું પડશે. આજે અમે એવું કરવામાં નિષ્ફળ ગયા. થોડો નિરાશ છું પણ આવું થાય છે. તમારે તમારી સામે જે છે તેને બદલવાનું હોય છે. અમને લાગ્યું કે ડાબોડી બેટ્સમેન રહેવાથી સ્ટ્રાઇક રોટેટ કરવી આસાન હશે. વેંડરર્સને શ્રેય જાય છે. જેણે ૬ વિકેટ ઝડપી. રોહિતે સાથે જ પોતાની બેટિંગ પર વાત કરી. તેણે કહ્યું કે, જો જોખમ ના લીધું હોત તો ૬૪ રન ના બન્યા હોત. તમારે પાવરપ્લેમાં વધુથી વધુ રન બનાવવાનો પ્રયાસ કરવો પડશે. અમે એના પર વધારે ફોકસ કરવા માંગતા નથી કે કેવું રમ્યા પણ વચ્ચેની ઓવરમાં અમારી બેટિંગ વિશે ચર્ચા થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક સમયે ભારતનો સ્કોર વિના વિકેટે ૯૭ રન હતો. આ સ્કોરે રોહિતની વિકેટ પડ્યા બાદ ટીમનો ધબડકો થયો. ભારતે ૬ વિકેટે ફક્ત ૫૦ રન ઉમેરી ગુમાવી દીધી હતી.