અમદાવાદ, તા.૬
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારિત રાજ્યના ૧૪પ૦૦થી વધુ કર્મચારીઓના રૂા.૧પ૦૦થી પ૦૦૦ સુધીનો વધારો રાજ્ય સરકારે કર્યો છે ત્યારે નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત કર્મચારીઓને પગારવધારા રૂપી સરકારે દિવાળી ભેટ આપી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, કર્મચારીઓના હિતને વરેલી રાજ્ય સરકારે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારિત કામ કરતાં કર્મચારીઓના વેતનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ વધારો થવાથી કર્મચારીઓને પ્રતિ માસ રૂા.૧પ૦૦થી પ૦૦૦નો વેતન વધારો મળશે. આના કારણે રાજ્ય સરકારને વાર્ષિક વધારાનું અંદાજે રૂા.૩૪ કરોડનું ભારણ થશે. સમાન કામ, સમાન વેતન અને મહેનતાણા માટે મળેલ રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જે હેઠળ આયુષ તબીબો, કાઉન્સેલર, સ્ટાફનર્સ અને ફીમેલ હેલ્થ વર્કર, ફાર્માસિસ્ટ, સુપરવાઈઝર, લેબ. ટેકનિશિયન, એક્સ-રે ટેકનિશિયન, ટી.બી. હેલ્થ વિઝિટર તેમજ વહીવટી સ્ટાફ સહિતની ૯૦થી વધુ વિવિધ સંવર્ગોના ૧૪પ૦૦થી વધુ કર્મચારીઓને આ લાભ મળશે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ મહત્ત્વના નિર્ણયનો લાભ કર્મચારીઓને ૧લી એપ્રિલ ર૦૧૮થી એરિયર્સ સાથે આપવામાં આવશે.