• રાવલ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ • અનેક સ્થળોએ ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ • ખાંભામાં ત્રણ ખેડૂતો પર વીજળી પડી, એકનું મોત-બે ઈજાગ્રસ્ત
અમદાવાદ,તા.૧૧
રાજયમાં અત્યાર સુધી સીઝનનો ૧રર ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે હવે વિદાયના અંતિમ તબક્કામાં પહોંચેલું ચોમાસુ જોર મારે તેવી શકયતા છે. રાજયમાં એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જે સક્રિય થઈ રહી છે ત્યારે હવામાન વિભાગે રાજયમાં આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે ગુરૂવાર અને શુક્રવારના રોજ રાજયમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ થયાના અહેવાલો સાંપડયા છે. વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ વરસાદ કપાસ, મગફળી સહિતના પાક માટે નુકસાનકારક સાબિત થયો છે. વાત કરીએ વરસાદની તો વલસાડના કપરાડામાં જાણે કે આભ ફાટયું હોય તેમ માત્ર ર કલાકમાં ત્રણ ઈંચ જયારે એ જ પ્રકારે ગીર ગઢડામાં તો માત્ર ૧ કલાકમાં જ ત્રણ ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. તો વરસાદને પગલે અનેક નદી- નાળા છલકાયા હતા તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બીજી તરફ દાહોદમાં ગરબાડા, લીમખેડા, ધાનપુર, અરવલ્લીના ભીલોડા પંથકમાં બોટાદમાં, અમરેલી, સાવરકુંડલા પંથકમાં ગીરસોમનાથ પંથકમાં, સુરતમાં, વલસાડમાં તેમજ પંચમહાલના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ધોધમાર વરસાદથી કપાસ, મગફળી, તલ, મગ અડદ સહિતના પાકોને નુકસાન પહોચ્યું છે.
જયારે ગત રોજ ગીર જંગલમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદથી રાવલ નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદથી ગીર ગઢડા તાલુકાના ૬ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જયારે અમરેલી પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ખાંભાના ગોરાણા ગામની વાડીમાં ખેતી કામ કરતા ત્રણ ખેડૂત પર વીજળી પડતાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જયારે બે ખેડૂતોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા. આમ એક તરફ હવામાન વિભાગ દ્વારા કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં આ લખાઈ રહ્યું છે ત્યારે પણ રાજયમાં અનેક સ્થળોએ ભારે ઝાપટા પડયાના અહેવાલો સાંપડયા છે.