અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં રૂા.૩.૮૪ કરોડનો હાઈબ્રિડ ગાંજો-લિક્વિડ ડ્રગ્સ !
વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા થકી ઓર્ડર કર્યો હતો : અગાઉના કન્સાઈન્મેન્ટનો જ ભાગ
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧ર
અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા પાર્સલને ક્રાઈમ બ્રાન્ચ ઝડપી પાડ્યું છે. આ પાર્સલમાંથી ૩.૮૪ કરોડનો હાઈબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું છે. અગાઉ પણ ફોરેન પોસ્ટ ઓફિસ પરથી ડાર્ક વેબથી ઓર્ડર કરાયેલો હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં એ સમયે સેન્ટ્રલ એજન્સી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ કરીને રમકડાની વચ્ચેથી હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો હતો. ત્યારે ફરી એક વખત કરોડોનું કન્સાઇનમેન્ટ રિસીવર પાસે જાય એ પહેલાં જ ક્રાઈસ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. ૫૮ પાર્સલ કેનેડા અને અમેરિકાથી આવ્યાં હતાં, જેમાં ડાઈપર, બાળકોના મોજા, રમકડાં અને સાડીમાં સંતાડેલો નશાનો સામાન નીકળ્યો હતો. પોલીસ તપાસમાં એવો ચોંકાવનારા ઘટસ્ફોટ થયો છે કે, આ પાર્સલ નશાના બંધાણી થયેલા ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ મગાવતા હતા.
અમદાવાદ સહિત રાજ્યભરના વાલીઓ માટે એક મોટી અને ચિંતાજનક ચેતવણી સમાન બાબત સામે આવી છે. થોડા સમય પહેલાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે ફોરેન પોસ્ટ ઓફિસ માધ્યમથી પાર્લસમાં આવતા ગાંજાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં વધુ તપાસ કરતા એક ગંભીર અને ચોંકવનારી બાબત સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચને તપાસ કરતા માલુમ પડ્યું કે, જે ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું તેમાં ટીનેજર એટલે કે, શાળામાં ધોરણ ૧૦થી ૧૨નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓઓ દ્વારા મંગાવવામાં આવતું હતું. આ બાબતનો ઘટસ્ફોટ ગાંજાના બંધાણી થયા હોય એવા બાળકોની પૂછપરછ અને કાઉન્સિલિંગમાં થયો છે. અમેરિકાથી અમદાવાદ આવતું ૩.૮૪ કરોડનું કુરિયર જેમાં હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ હતું. આ વાતની જાણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને થતાં જ તેણે પાર્સલને ઝડપી લીધું હતું. અગાઉ જે પ્રમાણે ડાર્ક વેબથી હાઇબ્રિડ ગાંજો ઓર્ડર કરીને મગાવવામાં આવ્યો હતો એવી જ રીતે આ વખતે ડ્રગ્સ આવી રહ્યું હતું. આ અગાઉના કન્સાઇનમેન્ટનો જ એક ભાગ હોવાનું બહાર આવ્યું છે. હાલ આ ડ્રગ્સ પકડાયા બાદ આ વખતે પણ કોઈ રિસીવર મળી આવ્યું નથી. આ દરમિયાન પણ કેટલાંક પાર્સલ આવી ગયાં હોય એવી શક્યતા સેવાઈ રહી છે. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે હાલ આવા ઓપરેશન ચાલી રહ્યા છે અને કરોડોની કિંમતનો ગાંજો મળી આવે છે. આ વખતે પણ રિસીવર સામે આવ્યો નથી.
અગાઉ ૧ જૂનના રોજ ફોરેન પોસ્ટ ઓફિસરમાં કસ્ટમ વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચે આ જ પ્રકારે અલગ અલગ પાર્સલમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં ખોટા એડ્રેસ હતા. આ એડ્રેસની તપાસ દરમિયાન એક મહત્વપૂર્ણ કડી પોલીસને મળી હતી. જેની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કેમ કે, એ હકિકત સામે આવી કે, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા સોશિયલ મીડિયાની મદદથી ઓર્ડર કરવામાં આવ્યો હતો.
કુલ ૧૫ બાળકોનું કાઉન્સિલિંગ કરી પૂછપરછ કરી સાથે તેમના વાલીઓને પણ બોલાવી પૂછપરછ કરી આ ગંભીર બાબતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ પૂછપરછ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, હજુ પણ આ પ્રકારે ડ્રગ્સનો જથ્થો ફોરેન પોસ્ટ ઓફિસના માધ્યમથી લાવવામાં આવી રહ્યો છે. જેથી પોસ્ટ ઓફિસ અને કસ્ટમર વિભાગ તરીકે ઓપરેશન કરી શંકાસ્પદ જણાતા પાર્સલની તપાસ કરી જેમાંથી કુલ ૬૦ પાર્સલ એવા મળી આવ્યા કે, જેમાં સિન્થેટિક લિક્વિડ અથવા તો અન્ય સ્વરૂપમાં ગાંજો હતો. પોલીસે સ્લીપર ડોગની મદદથી ફોરેન ઓફિસમાં આવતા પાર્સલની તપાસ કરી હતી. જેમાં કુલ ૫૮ પાર્સલમાં ડ્રગ્સ હતું. જ્યારે બે પાર્સલ એવા હતા કે, જેમાં લિક્વિડ સ્વરૂપમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે કરેલી રેડ દરમિયાન પાર્સલમાંથી ૧૧ કિલો ૬૦૧ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત ૩.૮૪ કરોડ થાય છે. અગાઉની જેમ આ વખતે પણ ડ્રગ્સ સપ્લાયરો દ્વારા બેબી ડાયપર, રમકડાં, સ્પાઇડર મેન, સ્ટોરી બૂક, વિટામિન કેન્ડી, સ્પિકર, ફોટોફ્રેમ, એન્ટીક બેગ વગેરેના પાર્સલની આડમાં ગાંજો મોકલવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે આગામી સમયમાં આ જ પ્રકારે પાર્સલની આડમાં ગાંજાના જથ્થાની ડિલિવરીનો પર્દાફાશ કરવાની કામગીરી ચાલુ રાખશે.