![](https://gujarattoday.in/wp-content/uploads/2024/04/0-74-900x535.jpg)
બર્લિન ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે ઈઝરાયેલના ‘સ્વ-બચાવના અધિકાર’ને ટાંકીને ક્વિયર-ફેમિનિસ્ટ એસોસિએશન ફ્રીડા પર ક્રેકડાઉન કર્યું હતું
(એજન્સી) તા.ર૬
પેલેસ્ટીન અને તેમના નિર્દોષ નાગરિકો માટે દેશના નાગરિક સમાજના સમર્થન પર વધી રહેલા ક્રેકડાઉન વચ્ચે, જર્મનીએ તેના બોર્ડના સભ્યોમાં પેલેસ્ટીન તરફી એકતા અને ઈઝરાયેલના “સ્વ-બચાવના અધિકાર”ને ટાંકીને બર્લિન સ્થિત મહિલા કેન્દ્રના કરારો રદ કર્યા છે. ૧૯૯૦માં સ્થપાયેલ, આ ફ્રીડા ફ્રાઉએનઝેન્ટ્રમ એક નારીવાદી સંસ્થા છે જે મુશ્કેલ જીવન સંજોગોમાં મહિલાઓને સહાય પૂરી પાડે છે. તેની સેવાઓમાં મફત કાઉન્સેલિંગ, રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓ જેમ કે વાંચન, રસોઈ અને ચર્ચાનો સમાવેશ થાય છે. ગયા અઠવાડિયે, ફ્રિડાના બોર્ડ સભ્યોને બર્લિનના ફ્રેડરિકશેન-ક્રુઝબર્ગના જિલ્લા કાઉન્સિલર તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં તેમને સંસ્થાના બે કેન્દ્રો, આલિયા અને ફાંટાલિસા માટેના સેવા કરારની “તાત્કાલિક અસરથી અસાધારણ સમાપ્તિ” વિશે જાણ કરવામાં આવી હતી. ફ્રીડાને બર્લિનના સેનેટ વિભાગ, શ્રમ, સામાજિક બાબતો, સમાનતા, એકીકરણ, વિવિધતા અને ભેદભાવ વિરોધી, જિલ્લા કાર્યાલય અને યુવા કલ્યાણ કાર્યાલય દ્વારા નાણાં પૂરાં પાડવામાં આવે છે. આ પત્રમાં, જિલ્લા કાઉન્સિલરે ફ્રિડાની સવલતો બંધ કરવાના ત્રણ કારણો આપ્યા હતા. પ્રથમ, બોર્ડના બે સભ્યો કથિત રીતે ગયા વર્ષે ઓક્ટોબરમાં પેલેસ્ટીન સાથે એકતાના પ્રદર્શનમાં જોવા મળ્યા હતા, બીજું કારણ એવો આરોપ છે કે ફ્રિડાના બોર્ડના સભ્યો પૈકી એક શોકુફેહ મોન્ટાઝેરીએ સોશિયલ મીડિયા પર સેમિટિક (યહૂદી વિરોધી) સામગ્રી શેર કરી હતી. ત્રીજું કારણ બર્લિનની પેલેસ્ટીન કોંગ્રેસમાં વક્તા તરીકે મોન્ટાઝેરીની ભાગીદારીથી સંબંધિત છે, જે ગયા અઠવાડિયે યોજાવાની હતી. જર્મનીએ અગ્રણી બ્રિટિશ-પેલેસ્ટીની સર્જક ઘસાન અબુ સિત્તાહને પણ દેશમાં પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો હતો, જેઓ પ્રવચન આપવાના હતા. આ ઘટનાથી ફ્રિડાના સભ્યો અને સમર્થકો તેમજ બર્લિનની જિલ્લા પરિષદોમાં આક્રોશ ફેલાયો છે. ફ્રીડા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા કર્મચારીઓની તેમની ખાનગી સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પર દેખરેખ રાખવામાં આવી રહી છે અને તેમના કામના કલાકો સિવાય મૂળભૂત અધિકારોનો ઉપયોગ, દા.ત. પ્રદર્શનમાં ભાગ લેવો વગેરે પ્રતિબંધિત કરવામાં આવી રહ્યો છે અને દેખીતી રીતે તે ગુનાહિત, ચિંતાજનક અને લોકશાહી વિરુદ્ધ છે. અમે એક સંગઠન તરીકે અને સામાજિક કાર્યકરો તરીકે અમારા કાર્યમાં પ્રતિબદ્ધ છીએ. વિવિધ જિલ્લા પરિષદના રાજકારણીઓએ કિંડલરના એકપક્ષીય નિર્ણયની માન્યતા પર સવાલ ઉઠાવ્યા છે. પેલેસ્ટીની સાથે એકતા દર્શવાવવા માટે જર્મન રાજ્ય દ્વારા દમનકારી પગલાં લેવામાં આવી રહ્યા છે. ગયા મહિને, જર્મનીમાં સરકારી માલિકીની બેંકે યહૂદી વિરોધી ઝિઓનિસ્ટ સંગઠનનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું. ગયા અઠવાડિયે, બર્લિનના રહેવાસી ઉદી રાઝે પેલેસ્ટીન કોંગ્રેસનું આયોજન કરવામાં મદદ કરી હતી, તેણે તેની નોકરી ગુમાવી દીધી હતી અને ત્યારથી તેને યહૂદી વિરોધી તરીકે ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગાઝા પર ઇઝરાયેલના આક્રમણથી, ૩૪,૨૬૨થી વધુ પેલેસ્ટીની માર્યા ગયા છે, ઓછામાં ઓછા ૭૭,૨૨૯ ઘાયલ થયા છે અને અંદાજિત ૭,૦૦૦ ગુમ થયા છે.