(એજન્સી) મોદીનગર, તા.૨૬
ભોજપુરના ફરીદનગર શહેરમાં, રાત્રે જમ્યા પછી લટાર મારતા એક દલિત પરિવાર પર બદમાશોએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે પાંચ લોકોના નામ સહિત ૧૩ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
મહેશ કુમારે જણાવ્યું કે, બે દિવસ પહેલા રાત્રે જમ્યા બાદ તે પિતા બિજેન્દ્ર જાટવ અને માતા સુમન સાથે ચાલી રહ્યો હતો. તે નગરના રામલીલા મેદાન પાસે પહોંચતા જ લગભગ ૧૨ યુવકો ત્યાં પહોંચી ગયા અને મહેશ સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા. જ્યારે તેઓએ વિરોધ કર્યો ત્યારે આરોપીઓએ મહેશ અને તેના માતા-પિતા પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. હુમલામાં મહેશ ગંભીર રીતે ઘાયલ થયો હતો. અવાજ સાંભળીને ત્યાં ટોળો જમા થઈ ગયો અને આવેલા ટોળાને જોઈને આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા.