રિક્ષાચાલકોની હડતાળને લીધે શહેરમાં
અવ્યવસ્થા સર્જાઈ : શાળાઓમાં વિદ્યાર્થીઓ તો
એસ.ટી., રેલવે સ્ટેશનો પર મુસાફરો અટવાયા
અમદાવાદ શહેરમાં સોમવારે રિક્ષાચાલકોની હડતાળને લીધે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. રિક્ષાચાલકો સવારથી જ રિક્ષા બંધ રાખી રસ્તાઓ પર નીકળી પડયા હતા અને જે રિક્ષાચાલક રિક્ષા લઈને જતો જણાય તેને રોકી હડતાળમાં જોડાવવા વિનંતી કરતા હતા, તો કેટલાક વિસ્તારોમાં રિક્ષાચાલકોએ દાદાગીરી કરી બળજબરીપૂર્વક મુસાફરોને ઉતારી રિક્ષાઓ બંધ કરાવી હતી. હડતાળને પગલે સ્કૂલે જતા બાળકો અટવાઈ પડતા તેમના વાલીઓએ તેમને શાળાએ મુકવા જવા કે લેવા જવાની ફરજ પડી હતી. આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એસ.ટી. સ્ટેન્ડ પર મુસાફરોને રિક્ષા ન મળતા ત્યારે સામાન જાતે ઉંચકી સ્ટેશનના બહાર સુધી આવવાની ફરજ પડી હતી. આ પરિસ્થિતિમાં પેડલ રિક્ષા ચાલકો જે તડાકો પડી ગયો હતો. સામાન્ય દિવસોમાં જેમને કોઈ પુછતું ન હતું ત્યાં હડતાળને કારણે મુસાફરોએ આવી પડેલ રિક્ષામાં બેસી મોજથી બેસી મુસાફરીની મજા માણી હતી.
અમદાવાદ,તા.૩૦
શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસે ટ્રાફિક મામલે કડક વલણ અપનાવતા શહેરભરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રોડની સાઈડમાં રહેલા લારી-પાથરણા અને રિક્ષા ચાલકો પર તવાઈ બોલાવી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીને લીધે રોષે ભરાયેલા રિક્ષા ચાલકો આજથી હડતાળ પર ઉતરી ગયા છે. રિક્ષા ચાલકોની માંગ છે કે શહેરમાં રિક્ષા માટે સ્ટેન્ડ બનાવવામાં આવે અને જો સ્ટેન્ડ ન બનાવી શકતા હોય તો પછી નવી રિક્ષાઓને પરમિટ આપવાનું બંધ કરવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યાને નિયંત્રણમાં રાખી શકાય.
અમદાવાદમાં આજે રિક્ષા ચાલકો દ્વારા સ્વયંભૂ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદમાં બંધના નામે તોફાની તત્વો બેફામ બન્યા છે અને રિક્ષા ચાલકો દ્વારા વિરોધના નામે કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. હડતાળ અને વિરોધના નામે આજે રિક્ષા ચાલકોએ કાલુપુરમાં એએમટીએસની ૯ બસમાં તોડફોડ કરી હતી. હોળી ચકલા પાસે એએમટીએસની ૭ બસના કાચ તોડવામાં આવ્યાં છે. તેવી જ રીતે ચાંદલોડિયા અને ગોમતીપુરમાં ૧ – ૧ બસમાં તોડફોડ કરવામાં આવી હતી. જો કે મહત્વની વાત એ પણ છે કે રિક્ષા ચાલકોના બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ઘણી જગ્યાએ રિક્ષાઓ ચાલતી જોવા મળી હતી. કાલુપુરમાં રિક્ષા ચાલકોએ પ્રાઇવેટ ટેક્સીઓ બંધ કરાવી હતી. સવારથી જ પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં રિક્ષા ચાલક એસોશિયસન ના કેટલાક સભ્યો દ્વારા બંધ કરાવવાનો પ્રયાસ થયો. ચાંદલોડિયા તેમજ ગોમતીપુર-અસારવા જેવા વિસ્તારોમાં જબરદસ્તી પણ કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં ચાલકો જ્યારે માર્ગો પર નિકળી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરતાં હતાં. ત્યારે પેટ્રોલિંગ કરતી પોલીસ ટુકડીઓએ કડક હાથે કાર્યવાહી પણ કરી હતી. રિક્ષાઓની હડતાળના કારણે મણિનગર રેલેવે સ્ટેશન પાસે પ્રવાસીઓએ ઓલા, ઉબેર ટેક્સી કરતાં રિક્ષાચાલકોએ ટેક્સીચાલકોને પણ ધમકાવી ટેક્સીમાં પ્રવાસીઓને બેસવા દીધા ન હતા અને બળજબરીપૂર્વક પ્રવાસીઓને નીચે ઉતારી દીધા હતા.ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે પણ રિક્ષાઓમાં પેસેન્જરોને બેસાડતા હતા ત્યારે કેટલાક રિક્ષાચાલકોએ બોલાચાલી કરી ટ્રાફિક જામ કર્યો હતો. પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી જઈ મામલો થાળે પડ્યો હતો. જે રિક્ષાચાલકો બંધમાં જોડાવવા ન માગતા હોય અને રિક્ષા ચાલુ રાખી હોય તેમને જબરજસ્તી કરી રિક્ષા બંધ કરાવતા હતા ત્યારે પોલીસ હાજર હોવા છતાં પણ મૂક પ્રેક્ષક બની ગઈ હતી. કાલુપુર, સારંગપુર જેવા કેટલાક વિસ્તારોમાં સવારે રિક્ષાઓ બંધ થઇ ગઈ હતી. જેના પગલે કેટલાક પ્રવાસીઓને હાલાકી પડી હતી. રિક્ષા ચાલકોની હડતાળને કારણે કેટલાક વિસ્તારોમાં શટલીયા કે પર્સનલ ઓટો કરી જતા અસંખ્ય પ્રવાસીઓ રખડી પડ્યા હતા, સાથે બસોમાં ભારે ભીડ જોવા મળી હતી. હડતાળને પગલે પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરતા ઘણા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હડતાળના કારણે શહેરના કાલુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર બસ સ્ટેશન અને એરપોર્ટ જેવી જગ્યાઓ પર મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં અત્યારે ૧ લાખ ૪૦ હજાર જેટલી ઓટોરિક્ષા દોડે છે અને આ રિક્ષામાં દરરોજ અંદાજિત પાંચ લાખથી વધુ લોકો સવારી કરે છે.