Ahmedabad

ગુજરાતમાં દુષ્કાળની ગંભીર પરિસ્થિતિ માટે ભાજપ સરકાર જ જવાબદાર

અમદાવાદ, તા.૪
ગુજરાતમાં હાલ મોટાભાગના જિલ્લાઓમાં દુષ્કાળની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભાજપ સરકારની અણઆવડતના કારણે જ ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા ઊભી થઈ છે. ઉનાળાનું કોઈ આગોતરૂ આયોજન ગુનાહિત માનસિકતા સ્પષ્ટ દેખાય છે આથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો આગામી તા.૭મે થી ૧૦મી મે દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓની મુલાકાત લઈ પાણીના પ્રશ્નોની જાણીકારી મેળવશે.
રાજ્યની ભાજપ સરકાર દ્વારા નવેમ્બર-૨૦૧૮માં ૮૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છતાં સરકાર દ્વારા ઉનાળાનું કોઈ આગોતરૂં આયોજન કરવામાં આવ્યું નહીં, જે આ સરકારની ગુનાહિત માનસિકતા સ્પષ્ટ દેખાય છે.
સરકાર દ્વારા નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવવામાં આવ્યા અને પાણીનો ખૂબ ભરાવો થયો છે તેવી ગુલબાંગોમાં રાચતી ભાજપ સરકારે જવાબ આપવો જોઈએ કે તો પછી આ પાણી પ્રથમ વર્ષમાં વધુ ભરાયું છે છતાં ગુજરાતમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ કેમ ? શું પાણી કોઈ ચોરી ગયું ? ગુમ થઇ ગયું ?
ભાજપ સરકારે ‘સુજલામ સુફલામ’, ‘સૌની યોજના’, ‘ચેક ડેમ’ જેવી મોટી-મોટી યોજનાની જાહેરાતો કરીને પ્રજા સાથે છેતરપિંડી કરી છે. વર્ષોની પરંપરા મુજબ જે તે સરકાર દર વર્ષે નિષ્પક્ષ નિષ્ણાંતોની પાણીના આયોજન માટે કમિટી બનાવે છે. આવી જવાબદાર કમિટી પણ આ સરકારે વિખેરી નાંખી, તેમના માનીતા લોકોની કમિટી બનાવી એ પણ ભાજપની માનસિકતા સ્પષ્ટ દેખાઈ આવે છે. આમ આવા ખૂબ જ કપરાં સમયની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાની સુચના અનુસાર ગુજરાતના પ્રદેશ આગેવાનો તા.૭ મેથી તા.૧૦મી મે દરમિયાન સમગ્ર ગુજરાતમાં પાણી અંગેની જે પણ સમસ્યાઓ ઉભી થઇ છે, કેટલાં પ્રમાણમાં થઇ છે, કોના કારણે ઉભી થઈ છે અને ઉકેલ શું આવે, તે અંગે આ ત્રણ દિવસની અંદર રીપોર્ટ તૈયાર કરી પ્રદેશને સુપ્રત કરવામાં આવશે. અને આ રીપોર્ટ પરથી પાણીની સમસ્યા કેમ કરીને જલ્દી ઉકેલાય તે માટે હાઈ કમાન્ડ નક્કી કરે તે મુજબ સમગ્ર ગુજરાતના વિવિધ જીલ્લા કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ રજૂઆતો કરશે.